Loading Please Wait !!!
ગાંધીનગર મનપાની 'સ્વીટ' સ્ટ્રાઈક: શેરડીના રસના ચિચોડા પર તવાઈ, ગંદકી કરનારા 61 વેપારીઓ દંડાયા!

  • ઉનાળામાં રસની જ્યાફત વચ્ચે ગંદકી કરનારાઓ સાવધાન – મનપાએ વસૂલ્યો 26,300નો વહીવટી ચાર્જ
  • સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ અને 10 ફૂટની સ્વચ્છતા અનિવાર્ય – નિયમ તોડશો તો સામાન થશે જપ્ત
  • રોગચાળો રોકવા કોર્પોરેશન એક્શન મોડમાં – 61 ઈસમો વિરુદ્ધ પબ્લિક હેલ્થ બાયલોઝ હેઠળ કાર્યવાહી

ગાંધીનગર: ઉનાળાની શરૂઆત થતાં જ પાટનગર ગાંધીનગરમાં શેરડીના રસની ડિમાન્ડમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. જોકે, આ વધતા વેપારની સાથે રસ્તાઓ અને જાહેર સ્થળો પર ગંદકી ફેલાવવાની ફરિયાદો પણ ઉઠી હતી. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ ગાંધીનગર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા એક્શન મોડમાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી વિશેષ તપાસ ઝુંબેશમાં ગંદકી ફેલાવતા 61 જેટલા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

સેનિટેશન વિભાગની ટીમોએ શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળો પર ધમધમતા શેરડીના ચિચોડા અને રસના વેચાણના સ્થળો પર આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન જે વેપારીઓ દ્વારા રસ્તા પર શેરડીના કૂચા, એઠવાડ કે ગ્લાસનો કચરો નાખી ગંદકી કરવામાં આવતી હતી, તેમને સ્થળ પર જ ઝડપી લેવાયા હતા. પબ્લિક હેલ્થ બાયલોઝ હેઠળ કરવામાં આવેલી આ કામગીરીમાં કુલ 61 ઇસમો પાસેથી અંદાજે ₹26,300 જેટલી રકમનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

દંડાત્મક કાર્યવાહીની સાથે મહાનગરપાલિકાએ વેપારીઓને કડક શરતોનું પાલન કરવા પણ આદેશ આપ્યો છે. કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે, કોઈપણ સંજોગોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકાશે નહીં. આ ઉપરાંત, ગ્રાહકોને પીરસવામાં આવતા કચરા કે ગ્લાસનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવો અને પોતાના ધંધાના સ્થળની આસપાસના 10 ફૂટના વિસ્તારને ફરજિયાતપણે સ્વચ્છ રાખવો પડશે.

મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરને સ્વચ્છ અને રોગચાળા મુક્ત રાખવા માટે આ પ્રકારની ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. જો કોઈ વેપારી વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરતો જણાશે, તો દંડની સાથે તેનો માલ-સામાન જપ્ત કરવા સુધીની આકરી કાર્યવાહી પણ કરવામાં આવશે. મનપાની આ ઝુંબેશથી અન્ય ખાણી-પીણીના લારી-ગલ્લા ધારકોમાં પણ ફફડાટ ફેલાયો છે. તંત્રએ વેપારીઓને અપીલ કરી છે કે જાહેર આરોગ્ય અને શહેરની સુંદરતા જાળવવા માટે તેઓ સ્વૈચ્છિક રીતે સ્વચ્છતાના નિયમોનું પાલન કરે.