ગાંધીનગર: ધનાઢ્ય પરિવારની દીકરી સજાતીય પ્રેમમાં અંધ બની, 3 વાર ઘર છોડ્યું
- સોશિયલ મીડિયાથી શરૂ થયેલો સંબંધ લેસ્બિયન પ્રેમ સુધી પહોંચ્યો, અભયમની ટીમે મામલો થાળે પાડ્યો.
- પિતા પેટ્રોલ પંપ અને મોલના માલિક હોવા છતાં દીકરી PG માં રહેવા ગઈ, આબરૂ બચાવવા પરિવારે પોલીસ બોલાવી.
- નોકરી માટે ડોક્યુમેન્ટ્સ લેવા ઘરે પહોંચતા જ ડ્રામા સર્જાયો, કલાકોના કાઉન્સેલિંગ બાદ હૃદય પરિવર્તન.
ગાંધીનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઉચ્ચ અભ્યાસ કરતી અને સુખી-સંપન્ન પરિવારની 19 વર્ષીય યુવતીએ પોતાની 25 વર્ષીય લેસ્બિયન મિત્ર સાથે સંસાર માંડવા માટે ત્રણ-ત્રણ વખત ઘર છોડી દીધું હતું. સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂ થયેલી આ મિત્રતા સજાતીય આકર્ષણમાં પરિવર્તિત થઈ ગઈ હતી. પિતા પેટ્રોલ પંપ અને શોપિંગ મોલના માલિક હોવા છતાં, દીકરી આધુનિકતાના રવાડે ચડી પોતાના ભવિષ્ય અને પરિવારની પ્રતિષ્ઠા ભૂલીને અમદાવાદની યુવતી સાથે રહેવાની જીદ પર અડી ગઈ હતી.
છેલ્લા 7 મહિનાથી સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવ્યા બાદ બંને યુવતીઓ વચ્ચે ગાઢ સંબંધો બંધાયા હતા. યુવતી કોલેજના બહાને ઘરની બહાર કલાકો વિતાવતી હતી, પરંતુ જ્યારે તેની માતાએ તેની હરકતો જોઈ ત્યારે પરિવારને આ સજાતીય સંબંધોની જાણ થઈ હતી. ઘરમાં વિવાદ થતા યુવતીએ બે વાર ઘર છોડ્યું હતું, પણ છેલ્લી વાર તે પિતાનું ઘર ત્યાગીને અમદાવાદમાં પીજીમાં રહેવા જતી રહી હતી. પરિવાર પોતાની સામાજિક આબરૂ જવાની બીકે લાચાર બન્યો હતો.
જીવન નિર્વાહ માટે નોકરીની જરૂર પડતા યુવતી જ્યારે પોતાની મિત્ર સાથે ઘરે ડોક્યુમેન્ટ્સ લેવા આવી, ત્યારે પરિવારે તક જોઈને બંનેને અટકાવ્યા હતા. મામલો એટલો બિચક્યો હતો કે યુવતીએ જ 181 અભયમ હેલ્પલાઈનની મદદ માંગી હતી. જોકે, જ્યારે અભયમની ટીમ ત્યાં પહોંચી ત્યારે સમગ્ર સત્ય બહાર આવ્યું હતું. પરિવારે પોતાની દીકરીને સમજાવવા માટે પોલીસ અને કાઉન્સેલરોની મદદ લીધી હતી. બંને યુવતીઓ શરૂઆતમાં અલગ થવા તૈયાર નહોતી, પરંતુ કલાકો સુધી ચાલેલી સમજાવટ બાદ અમદાવાદની યુવતીએ સંબંધોનો અંત લાવવાની તૈયારી બતાવી હતી.
પોતાની મિત્રના પીછેહઠ કરવાના નિર્ણયથી 19 વર્ષીય યુવતી આઘાતમાં સરી પડી હતી અને તેણે તુરંત ઘરે રહેવાનો ઇનકાર કર્યો હતો. આથી, તેને સુરક્ષિત રીતે ગાંધીનગરના 'સખી વન સ્ટોપ' સેન્ટર ખાતે આશરો આપવામાં આવ્યો હતો. ત્યાંના કાઉન્સેલરોએ યુવતી સાથે આત્મીયતા કેળવીને તેને તેના ઉજ્જવળ ભવિષ્ય અને માતા-પિતાના પ્રેમ વિશે સમજ આપી હતી. થોડા દિવસના રોકાણ અને ગહન કાઉન્સેલિંગ બાદ યુવતીના વિચારોમાં પરિવર્તન આવ્યું હતું અને તેણે સજાતીય સંબંધોનો ત્યાગ કરવાનો મન બનાવ્યું હતું.
અંતે, યુવતીએ સ્વેચ્છાએ પોતાના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના પગલે અભયમ અને સખી વન સ્ટોપની ટીમે તેને તેના માતા-પિતા સાથે મિલાવી હતી. આ કિસ્સો આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના જોખમો વિશે લાલબત્તી સમાન છે. નિષ્ણાતો માને છે કે યુવા પેઢી જ્યારે આવા આકર્ષણોમાં ફસાય છે ત્યારે કડકાઈને બદલે આત્મીયતાથી કરાયેલું કાઉન્સેલિંગ વધુ કારગત સાબિત થાય છે. પરિવારે પણ પોતાની દીકરીને સ્વીકારીને આ કડવા પ્રકરણનો સુખદ અંત લાવ્યો છે.