"પતિ કહે તેમ જ કરવું પડશે": મુંબઈના સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતા ગાંધીનગર પિયર ભેગી થઈ, છેક કેનેડા સુધી પહોંચી પતિની ક્રૂરતા!
- ચારિત્ર્ય પર શંકા, મારઝૂડ અને અન્ય સ્ત્રી સાથે સંબંધો – પીડિતાએ પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
- લગ્નના એક અઠવાડિયા બાદ જ શરૂ થયો ત્રાસ – આત્મહત્યાની ગર્ભિત ધમકી આપી પતિ પત્નીને રાખતો ચૂપ
- "ઘરમાં રહેવું હોય તો સહન કરવું પડશે" – સાસુના મેણાં અને પતિની મારઝૂડથી કંટાળી મહિલા પોલીસના શરણે
ગાંધીનગરના સેક્ટર-22 માં પિયર ધરાવતી એક 36 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાંઓ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ગંભીર ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. લગ્નના 12 વર્ષ બાદ પણ સાસરિયાઓના અસહ્ય ત્રાસ અને પતિની અન્ય સ્ત્રી સાથેની સંડોવણીને કારણે પરિણીતા છેલ્લા 10 મહિનાથી પોતાના બે બાળકો સાથે પિયરમાં આશરો લઈ રહી છે.
પીડિતાના જણાવ્યા અનુસાર, વર્ષ 2014 માં લગ્ન થયા બાદ શરૂઆતમાં જ પતિ અજીત પરદેશીએ તેના ચારિત્ર્ય પર શંકા કરવાનું શરૂ કર્યું હતું. મોબાઈલ ફોન વારંવાર ચેક કરવો અને નાની બાબતોમાં બીભત્સ ગાળો આપી અપમાનિત કરવું તે પતિનો નિત્યક્રમ બની ગયો હતો. જ્યારે આ અંગે સાસુ-સસરાને ફરિયાદ કરી ત્યારે તેમણે પણ દીકરાનો પક્ષ લેતા કહ્યું હતું કે, "ઘરમાં રહેવું હોય તો પતિ કહે તેમ જ કરવું પડશે અને સહન કરવું પડશે."
કેનેડામાં પણ પીછો ન છોડ્યો ક્રૂરતાએ: દંપતી જ્યારે કેનેડા સ્થાયી થયું ત્યારે પણ પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ વણસી હતી. પરિણીતાને જાણ થઈ હતી કે તેના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે અને તે તેને આર્થિક મદદ પણ કરે છે. આ બાબતે વિરોધ કરતા પતિએ ધમકી આપી હતી કે જો તે કોઈને કહેશે તો તે તેના નામે સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી લેશે. આ ગર્ભિત ધમકીથી ડરીને પરિણીતા લાંબો સમય ચૂપ રહી હતી.
પરંતુ જાન્યુઆરી 2026 માં જ્યારે પતિએ ફોન પર ધમકી આપી કે તે બાળકોને જબરદસ્તીથી લઈ જશે અને જો અવરોધ કરશે તો તેને જાનથી મારી નાખશે, ત્યારે પરિણીતાએ હિંમત ભેગી કરી પોલીસનો સહારો લીધો છે. ગાંધીનગર મહિલા પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સામાજિક માનસિકતા અને ઘરેલુ હિંસાના ગંભીર પ્રશ્નો સામે આંગળી ચીંધી છે.