Loading Please Wait !!!
ગાંધીનગર સિવિલના તબીબોનો ચમત્કાર: યુવકના લીવરમાંથી હજારો 'ડોટર સિસ્ટ' દૂર કરી આપ્યું નવું જીવન!

  • 5 વર્ષની પીડાનો અંત – ખાનગી હોસ્પિટલો જે ઓપરેશનમાં ડરતી હતી તે સિવિલના ડોક્ટરોએ સફળતાપૂર્વક કર્યું
  • હાઇડેટીડ સિસ્ટની જોખમી સર્જરીમાં તબીબોને મળી મોટી સફળતા – 39 વર્ષીય દર્દી હવે સંપૂર્ણ સ્વસ્થ
  • મધર સિસ્ટની અંદર છુપાયેલી હતી હજારો ડોટર સિસ્ટ – નિષ્ણાત સર્જનોની ટીમે પાર પાડ્યું અશક્ય મિશન

ગાંધીનગરની GMERS સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગે તબીબી જગતમાં એક પ્રશંસનીય સિદ્ધિ હાંસલ કરી છે. હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ એક 39 વર્ષીય પુરુષ દર્દીના લીવરમાંથી હજારોની સંખ્યામાં રહેલી 'ડોટર સિસ્ટ' દૂર કરીને તેને મોતના મુખમાંથી બહાર લાવ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી અસહ્ય પીડા અને ગંભીર બીમારીથી પીડાતા આ દર્દીને ખાનગી હોસ્પિટલોના લાખોના ખર્ચ સામે સિવિલ હોસ્પિટલે નિઃશુલ્ક અને અત્યંત સુરક્ષિત સારવાર આપીને આશાનું નવું કિરણ પૂરું પાડ્યું છે.

વર્ષ 2021થી આ ગંભીર બીમારીનો સામનો કરી રહેલા દર્દીએ અગાઉ અનેક હોસ્પિટલોનો સંપર્ક કર્યો હતો, પરંતુ લીવરની આ સર્જરીમાં રહેલા અતિશય જોખમને કારણે કોઈ તૈયાર થતું નહોતું. અંતે ગાંધીનગર સિવિલના તબીબોએ દર્દીના પરિવારને આત્મવિશ્વાસમાં લીધો અને સર્જરી શરૂ કરી હતી. ઓપરેશન દરમિયાન તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે લીવરમાં રહેલી એક મુખ્ય હાઇડેટીડ સિસ્ટ (મધર સિસ્ટ) ની અંદર હજારોની સંખ્યામાં નાની-મોટી હજારો ડોટર સિસ્ટ ભરાયેલી હતી, જે લીવર પર સતત દબાણ વધારી રહી હતી.

આ અત્યંત જટિલ ઓપરેશનમાં સર્જન ડો. નિયતિ લાખાણી, ડો. પ્રતિક શાહ, ડો. બિન્નલ પંચાલ અને ડો. પ્રતિક પટેલની ટીમે વિશેષ સાવચેતી રાખી હતી. આ સર્જરીમાં સૌથી મોટું જોખમ એ હતું કે જો ઓપરેશન દરમિયાન એક પણ નાની સિસ્ટ અંદર ફાટી જાય, તો દર્દીને ગંભીર એલર્જીક રિએક્શન (Anaphylactic shock) આવી શકે છે અથવા આ ચેપ આખા શરીરમાં ફેલાઈ શકે છે. જોકે, એનેસ્થેટિસ્ટ ડો. ભારતી રાજાણી અને ડો. પ્રિયંકાબેનની ટીમના મજબૂત સાથથી આ મિશન સફળતાપૂર્વક પાર પડ્યું હતું.

મેડિકલ વિજ્ઞાન મુજબ, આ રોગ 'Echinococcus granulosus' નામના કરમિયાના ચેપથી થાય છે. આ જીવ જ્યારે શરીરમાં પ્રવેશ કરે ત્યારે લીવર જેવા અંગમાં મોટી કોથળી બનાવે છે, જેમાં સમય જતાં અસંખ્ય નાની કોથળીઓ પેદા થાય છે. આનાથી પાચનની સમસ્યા અને અંગો પર અસહ્ય દબાણ સર્જાય છે. ગાંધીનગર સિવિલના તબીબોએ લીવરના કોઈ પણ ભાગને નુકસાન પહોંચાડ્યા વગર આ તમામ સિસ્ટને એકાંતરે દૂર કરીને દર્દીને ભયમુક્ત કર્યો છે.

આ સફળ સર્જરી બાદ દર્દી હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને વર્ષોની પીડામાંથી મુક્તિ મેળવી છે. મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલ આશીર્વાદ સમાન સાબિત થઈ છે. પરિવારજનોએ ભાવુક થઈને સિવિલના ડોક્ટરો અને સહાયક સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો છે. રાજકોટ જેવા શહેરોમાં પણ જ્યારે જટિલ કેસો સામે આવે છે, ત્યારે સરકારી હોસ્પિટલોની આવી સફળતા સામાન્ય જનતાનો સરકારી તંત્ર પરનો ભરોસો વધુ મજબૂત કરે છે.