Loading Please Wait !!!
ગાંધીનગર જિલ્લાનું બોર્ડ રિઝલ્ટ જાહેર: સાયન્સમાં 82.82% અને સામાન્ય પ્રવાહમાં 93.88% પરિણામ

  • સાયન્સમાં માત્ર 43 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, સામાન્ય પ્રવાહમાં 181 તેજસ્વી તારલાઓ ઝળક્યા
  • દહેગામ કેન્દ્ર 95.27% સાથે જિલ્લામાં મોખરે, માણસા સાયન્સમાં અવ્વલ
  • સાયન્સમાં 783 અને સામાન્ય પ્રવાહમાં 879 વિદ્યાર્થીઓને સુધારાની જરૂર (NI)

ગાંધીનગર | સિટી ન્યૂઝ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના સરેરાશ પરિણામની સાથે ગાંધીનગર જિલ્લાના આંકડા પણ સામે આવ્યા છે. ગાંધીનગર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.82% નોંધાયું છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં જિલ્લાએ શાનદાર પ્રદર્શન કરતા 93.88% પરિણામ પ્રાપ્ત કર્યું છે. રાજ્યના સામાન્ય પ્રવાહના સરેરાશ 92.71% પરિણામની સરખામણીએ ગાંધીનગરનો દેખાવ ઉત્કૃષ્ટ રહ્યો છે.

વિગતવાર આંકડાઓ મુજબ, ગાંધીનગર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહના 4,493 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી સર્વોચ્ચ 'A1' ગ્રેડ મેળવવામાં માત્ર 43 વિદ્યાર્થીઓ જ સફળ રહ્યા છે. જ્યારે 423 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ અને 750 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ મળ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં 783 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ (NI) જાહેર થયા છે. કેન્દ્રવાર દેખાવ જોઈએ તો માણસા કેન્દ્ર 89.63% પરિણામ સાથે જિલ્લામાં પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે ગાંધીનગર ઉત્તર કેન્દ્રનું 83.22% અને કલોલનું 81.76% પરિણામ આવ્યું છે.

સામાન્ય પ્રવાહમાં ગાંધીનગર જિલ્લાના 13,600 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 181 વિદ્યાર્થીઓએ 'A1' ગ્રેડ હાંસલ કરી મેદાન માર્યું છે. આ ઉપરાંત 1,107 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ અને 2,122 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ મળ્યો છે. સામાન્ય પ્રવાહમાં દહેગામ કેન્દ્ર 95.27% પરિણામ સાથે જિલ્લામાં સૌથી મોખરે રહ્યું છે. ત્યારબાદ ગાંધીનગર દક્ષિણ કેન્દ્રનું 95.15% અને માણસાનું 93.40% પરિણામ જાહેર થયું છે. ગાંધીનગર ઉત્તર અને કલોલ કેન્દ્રોનું પરિણામ અનુક્રમે 91.99% અને 91.39% રહ્યું છે.

ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન યોજાયેલી આ બોર્ડ પરીક્ષાના પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. પાટનગરની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓએ એકબીજાના મોઢા મીઠા કરાવીને સફળતાની ઉજવણી કરી હતી. સામાન્ય પ્રવાહમાં 879 વિદ્યાર્થીઓ એવા છે જેમને પરિણામ સુધારવાની જરૂરિયાત (NI) છે. જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવ્યા છે અથવા નાપાસ થયા છે, તેમના માટે બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

જિલ્લા શિક્ષણ વિભાગના મતે, આ વર્ષનું પરિણામ સરેરાશ સારું રહ્યું છે. ખાસ કરીને સામાન્ય પ્રવાહમાં જે રીતે 93% થી વધુ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, તે જિલ્લાના શૈક્ષણિક સ્તરની મજબૂતી દર્શાવે છે. સાયન્સમાં A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવા છતાં, ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર મુકવાને કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ ઉચ્ચ ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા છે. હવે આ તેજસ્વી વિદ્યાર્થીઓ ડિગ્રી કોલેજો અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા શરૂ કરશે.