"ગંભીરા બ્રિજ પર સાત મહિના બાદ વાહનવ્યવહારના એંધાણ: લોખંડનો સ્પાન ફીટ કરાયો"
- વડોદરા-આણંદ વચ્ચેની કનેક્ટિવિટી ફરી જીવંત થશે - નિઃશુલ્ક સેવા આપી એજન્સીએ ઉદાહરણ પૂરું પાડ્યું.
- વિશ્વકર્મા મરીન્સ ગ્રુપનો પ્રશંસનીય નિર્ણય - રાજ્ય સરકાર પાસેથી કોઈ ચાર્જ વસૂલ્યો નથી
- ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરથી તૂટેલો ભાગ જોડાયો - હવે સરકાર તારીખ જાહેર કરે તેની રાહ
વડોદરા : વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા વ્યૂહાત્મક ગંભીરા બ્રિજ પર છેલ્લા સાત મહિનાથી લાગેલી 'બ્રેક' હવે હટવા જઈ રહી છે. મહીસાગર નદી પરનો આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા લોકોએ જે હાલાકી ભોગવી હતી, તેનો અંત લાવવા માટે લોખંડના નવા સ્પાન લગાવવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ રિપેરિંગ બાદ હવે ટૂંક સમયમાં જ બ્રિજ પરથી નાના વાહનોની અવરજવર શરૂ કરવાની તૈયારીઓ હાથ ધરાઈ છે.
આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા તેની 'કોસ્ટ' (કિંમત) રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ જટિલ રિપેરિંગની જવાબદારી 'વિશ્વકર્મા મરીન્સ ગ્રુપ'ને સોંપવામાં આવી હતી. સંસ્થાના કેતન ગજ્જર દ્વારા સામાજિક દાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા આ સમગ્ર કામગીરી માટે સરકાર પાસેથી એક પણ રૂપિયો ચાર્જ લેવામાં આવ્યો નથી. ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરની મદદથી બ્રિજના તૂટેલા ભાગને જે રીતે જોડવામાં આવ્યો છે, તેનાથી બ્રિજની મજબૂતી પણ જળવાઈ રહેશે.
ગંભીરા બ્રિજ બંધ હોવાને કારણે પાદરા અને વડોદરા તરફ નોકરી કે અભ્યાસ માટે આવતા હજારો લોકોને લાંબો રૂટ લેવો પડતો હતો, જેના કારણે સમય અને નાણાં બંનેનો વ્યય થતો હતો. હવે આ સ્પાન લાગી જવાથી ટુ-વ્હીલર અને નાના વાહનો ખૂબ જ સરળતાથી પસાર થઈ શકશે. જોકે, બ્રિજ કઈ તારીખથી જાહેર જનતા માટે ખુલ્લો મુકવો તેનો આખરી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે.
તંત્ર દ્વારા લાંબાગાળાના ઉકેલ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જૂના બ્રિજની મરામતની સાથે તેની બિલકુલ બાજુમાં નવા બ્રિજનું નિર્માણ કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. નવો બ્રિજ તૈયાર થયા બાદ ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે, પરંતુ હાલ પૂરતું જૂના બ્રિજ પર લિંક સ્પાન ફીટ થવાથી પંથકની કનેક્ટિવિટી ફરી જીવંત થઈ છે, જે સ્થાનિક વેપારીઓ અને શ્રમિકો માટે મોટા આશીર્વાદ સમાન સાબિત થશે.