Loading Please Wait !!!
"₹166 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં જામનગરના એડવોકેટને હાઈકોર્ટના શરતી જામીન"

  • સુરત DGGI ની ધરપકડ બાદ એડવોકેટ રોહિતકુમાર સંઘાણી જેલમુક્ત - કમ્પ્લાયન્સ કામગીરીને આધારે મળી રાહત
  • અસીલની કરચોરી માટે એડવોકેટ જવાબદાર નહીં - 0.20% કમિશનના આક્ષેપો વચ્ચે જામીન અરજી મંજૂર.
  • DGGI ના સખત વિરોધ છતાં શરતોને આધીન જામીન - જાણીતા ધારાશાસ્ત્રીઓની દલીલો સફળ રહી.

જામનગરના એડવોકેટ રોહિતકુમાર સંઘાણીને ₹166 કરોડના વિશાળ બોગસ બિલિંગ કૌભાંડમાં ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. સુરત DGGI (ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ) દ્વારા જી.એસ.ટી. કાયદાની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવ્યા બાદ, હાઈકોર્ટે તાજેતરમાં એડવોકેટને શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરતો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં બચાવ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખીને અદાલતે માન્યું હતું કે આરોપીએ કૌભાંડમાં કોઈ મુખ્ય ભૂમિકા ભજવી નથી.

આ કેસની વિગત મુજબ, સુરત DGGI ને મળેલી ગુપ્ત માહિતીના આધારે જામનગરના એડવોકેટ રોહિતકુમાર સંઘાણીની ઓફિસ અને તેમના અસીલોના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ મોબાઈલ ફોન અને વાંધાજનક દસ્તાવેજો કબ્જે કર્યા હતા. તપાસના અંતે DGGI એવો દાવો કર્યો હતો કે એડવોકેટના અસીલોએ બોગસ પેઢીઓ રચી ₹166 કરોડના બિલો દ્વારા ₹30 કરોડની ખોટી વેરાશાખ (ITC) મેળવી છે. એડવોકેટ આ બાબત જાણતા હોવા છતાં તેઓ રિટર્ન ભરવાની પ્રક્રિયા કરતા હતા અને કાયદેસરની ફીના બદલે ટર્નઓવરના 0.20% કમિશન લેતા હતા.

આ ગંભીર આક્ષેપો બાદ ધરપકડ થયેલા એડવોકેટ વતી ગુજરાત હાઈકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી અપૂર્વ એન. મહેતા અને જયદીપ એમ. કુકડીયાએ ધારદાર દલીલો રજૂ કરી હતી. બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે, એડવોકેટ સને 2018 થી પ્રેક્ટિસ કરે છે અને અસીલ દ્વારા કરવામાં આવેલા કોઈ પણ ખોટા વ્યવહાર માટે વકીલ કે ટેક્સ કન્સલ્ટન્ટને જવાબદાર ગણી શકાય નહીં. વધુમાં, એવો પણ આક્ષેપ કરાયો હતો કે સહ-આરોપીઓના નિવેદનો બળજબરીપૂર્વક લેવામાં આવ્યા છે અને તેના આધારે એડવોકેટને ફસાવવામાં આવ્યા છે.

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન બચાવ પક્ષે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્થાપિત જામીન માટેના 'ટ્રિપલ ટેસ્ટ' ના સિદ્ધાંતો ટાંક્યા હતા. બીજી તરફ, DGGI સુરત વિભાગ દ્વારા લંબાણપૂર્વકનું સોગંદનામું રજૂ કરી એડવોકેટની જામીન અરજીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. એજન્સીનો દાવો હતો કે આર્થિક ગુનાઓમાં જામીન ન આપવા જોઈએ કારણ કે તેનાથી તપાસને અસર થઈ શકે છે.

બંને પક્ષોની લંબાણપૂર્વકની દલીલો સાંભળ્યા બાદ, ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું કે અરજદાર એડવોકેટે સમગ્ર કૌભાંડમાં કોઈ 'મેજર રોલ' ભજવ્યો નથી, પરંતુ માત્ર પ્રોફેશનલ કમ્પ્લાયન્સની કામગીરી કરી છે. ગુનાની મહત્તમ સજાની જોગવાઈઓ અને રજૂ કરાયેલા કાયદાકીય તર્કને ધ્યાને લઈને હાઈકોર્ટે એડવોકેટ રોહિતકુમાર સંઘાણીને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. આ ચુકાદાથી ટેક્સ પ્રેક્ટિસ કરતા વ્યાવસાયિકોમાં વ્યાપક ચર્ચા જાગી છે.