15 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત: સોમવારે ધો. 12 અને બુધવારે ધો. 10નું પરિણામ
- ગુજરાત બોર્ડે તારીખો કરી જાહેર; ગુજકેટનું રિઝલ્ટ પણ સોમવારે જ આવશે.
- વેબસાઈટ ઉપરાંત વોટ્સએપ પર પણ જાણી શકાશે પરિણામ; જાણો કઈ રીતે.
- 6 મેના રોજ જાહેર થશે ધોરણ 10 નું પરિણામ; 15.27 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી થશે.
સિટી ન્યુઝ @ રાજકોટ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામની તારીખો જાહેર કરવામાં આવી છે. લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓની આતુરતાનો અંત લાવતા બોર્ડે જાહેરાત કરી છે કે આગામી 4 મે, સોમવારના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એકસાથે જાહેર કરવામાં આવશે. આ સાથે જ ઉચ્ચ શિક્ષણ માટે મહત્વની ગણાતી ગુજકેટ (GUJCET) પરીક્ષાનું પરિણામ પણ સોમવારે જ જાહેર થશે.
ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટેના પરિણામની તારીખ 6 મે, બુધવાર નક્કી કરવામાં આવી છે. આ વર્ષે બોર્ડની પરીક્ષામાં કુલ 15.27 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં ધોરણ 10 ના 9.07 લાખ અને ધોરણ 12 ના સાયન્સ તથા સામાન્ય પ્રવાહના મળીને આશરે 6.20 લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પરીક્ષા પૂર્ણ થયાના ટૂંકા ગાળામાં જ બોર્ડે મૂલ્યાંકન કામગીરી પૂર્ણ કરી પરિણામ જાહેર કરવાની તૈયારીઓ કરી લીધી છે.
વિદ્યાર્થીઓને પરિણામ મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે બોર્ડે ઓનલાઈન વેબસાઈટ www.gseb.org ઉપરાંત વોટ્સએપ સુવિધા પણ શરૂ કરી છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકશે. 4 મે ના રોજ જાહેર થનારા પરિણામો બાદ ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ પ્રક્રિયાનો માર્ગ મોકળો થશે.