વડનગરથી વારાણસી સુધીની બાઈક સેવા યાત્રાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
-
ગુજરાત સરકાર દ્વારા મોદીની ૨૫ વર્ષની સેવા અને સમર્પણ યાત્રાની ભવ્ય ઉજવણી
-
સોમાભાઈ મોદી અને ભત્રીજા જીતુભાઈ મોદીએ કેક કાપીને પાઠવી જન્મદિનની શુભેચ્છાઓ
-
રક્તદાન કેમ્પ અને નેત્ર નિદાન કેમ્પમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક લીધો ભાગ
સિટી ન્યુઝ @ વડનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે તેમના વતન વડનગરમાં બે દિવસીય ભવ્ય જન્મોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે. મોદીની ૨૫ વર્ષની સેવા અને સમર્પણ યાત્રાના ઉપલક્ષ્યમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમો અંતર્ગત ચાર પવિત્ર સ્થળોથી જળ કળશ એકત્ર કરીને વડનગર લાવવામાં આવ્યા હતા, જ્યાં હાટકેશ્વર મહાદેવ મંદિરે ભગવાને જળાભિષેક કર્યો હતો. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી યોજાઈ હતી અને પદયાત્રા કાઢવામાં આવી હતી. આ અવસરે ગૃહમંત્રી અમિત શાહે વડનગરથી આધ્યાત્મિક નગરી વારાણસી સુધીની બાઈક સેવા યાત્રાને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં ૨૫૦ થી વધુ બાઈકર્સ જોડાયા છે.
આ ભવ્ય ઉજવણીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા (જો કે શ્રી શિંદેના હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાતા તેઓ કાર દ્વારા રવાના થયા હતા). વડનગરની જીએમઆરએસ હોસ્પિટલ ખાતે પીએમ મોદીના ભાઈ સોમાભાઈ મોદી અને પરિવારજનોની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ, નેત્ર નિદાન કેમ્પ તથા કેક કટીંગ જેવા સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત, નાગરિકોને પોતાના ઘરે 'એક દીવડો' પ્રગટાવીને વડાપ્રધાન પ્રત્યે આદર અને શુભેચ્છાઓ વ્યક્ત કરવા અપીલ કરવામાં આવી છે.
સેવા અને જનકલ્યાણના આયોજનો
જન્મદિવસ જેવા વિશેષ અવસરોને રક્તદાન કેમ્પ અને જનસેવાના કાર્યો સાથે જોડવાથી સમાજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને રાષ્ટ્ર નિર્માણની ભાવના વધુ દ્રઢ બને છે.