"મિત્ર જ નીકળ્યો 'વ્યાજખોર' લોહીતરસ્યો: જામનગરમાં મિત્રતાના નામે 4 કરોડની મિલકત પચાવી પાડનાર ફાઈનાન્સર સામે FIR"
- લાલબંગલા પાસે 'રાજદીપ ફાઈનાન્સ' ચલાવતા યુવરાજસિંહ જાડેજાએ મિલકતો પચાવી ત્રાહિત વ્યક્તિઓને વેચી દીધી
- સંજય મકવાણાની મજબૂરીનો ફાયદો ઉઠાવી આચરાયો વિશ્વાસઘાત - સિટી બી-ડિવિઝન પોલીસ એક્શનમાં
- સુરક્ષા પેટે રાખેલા દસ્તાવેજોનો દુરુપયોગ કરી મિલકતો વેચી મારી - પીએસઆઈ એચ.એમ. મહેતાએ હાથ ધરી તપાસ.
જામનગરમાં વિશ્વાસઘાત અને વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મિત્રએ જ બીજા મિત્રની આશરે 4 કરોડ રૂપિયાની મિલકત પચાવી પાડી છે. અમદાવાદના જમીન લે-વેચના ધંધાર્થી સંજય મકવાણાએ જામનગરના 'રાજદીપ ફાઈનાન્સ'ના સંચાલક યુવરાજસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવતા પોલીસ વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે.
મિત્રતાથી શરૂ થયેલી છેતરપિંડીની જાળ ફરિયાદ મુજબ, વર્ષ 2011માં સંજયભાઈ અને યુવરાજસિંહ વચ્ચે મિત્રતા થઈ હતી. જ્યારે સંજયભાઈને નાણાંની જરૂરિયાત પડી, ત્યારે યુવરાજસિંહએ મદદના બહાને ઉંચા વ્યાજે નાણાં ધીર્યા હતા. ગેરકાયદે વ્યાજની આ રમતની સાથે સાથે યુવરાજસિંહએ સુરક્ષા (Security) ના નામે સંજયભાઈની જામનગર અને અમદાવાદમાં આવેલી કિંમતી ઓફિસો અને મકાનના દસ્તાવેજો પોતાની પાસે રાખી લીધા હતા.
અંધારામાં રાખી મિલકતો વેચી મારી આરોપીએ સંજયભાઈના વિશ્વાસનો દુરુપયોગ કર્યો હતો. સંજયભાઈને જાણ કર્યા વગર જ યુવરાજસિંહએ આ મિલકતો ત્રાહિત વ્યક્તિઓના નામે વેચી દીધી હતી. જ્યારે સંજયભાઈને ખબર પડી કે તેમની કરોડોની પ્રોપર્ટી હવે તેમની નથી રહી, ત્યારે તેમણે કાયદાનો આશરો લીધો હતો.
નવા કાયદા (BNS) હેઠળ કાર્યવાહી જામનગર સિટી બી-ડિવિઝન પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 316(2) અને 317(2) તેમજ વ્યાજખોરી વિરોધી 'ગુજરાત નાણા ધીરનાર અધિનિયમ 2011' હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસની તપાસ પીએસઆઈ એચ.એમ. મહેતાને સોંપવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ મિલકતો કોને વેચી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ.