ગાંધીનગર ખનિજ વિભાગમાં મોટું કૌભાંડ: ભૂ માફિયાઓએ ₹23.46 લાખનો ચૂનો ચોપડ્યો, નકલી ચલણો બનાવી વાહનો છોડાવ્યા!
- અધિકારીની ખોટી સહી અને બેંકના બનાવટી દસ્તાવેજોનો ખેલ - 3 મહિના બાદ બેંક વેરિફિકેશનમાં ભાંડો ફૂટ્યો
- ડભોઈ અને વડોદરાના 3 શખસો સામે સેક્ટર-7 માં ફરિયાદ - લાખોના દંડ સામે બેંકમાં માત્ર ₹1300 ભર્યા!
- ચિરાગ રબારી, સોહમ ગજેરા અને હસમુખ કાંસકીવાલાએ આચર્યું કૌભાંડ - ખાણ ખનીજ વિભાગની વડી કચેરીમાં દોડધામ
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરની કચેરીની આંખ નીચે જ ભૂ માફિયાઓએ લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડભોઈ પંથકમાં ગેરકાયદે ખનન કરતા પકડાયેલા શખસોએ સરકારી તિજોરીમાં લાખોનો દંડ ભરવાને બદલે બેંકના નકલી ચલણો અને અધિકારીની બનાવટી સહીઓનો ઉપયોગ કરી સરકારને ₹૨૩.૪૬ લાખનો ફટકો માર્યો છે. આ મામલે સેક્ટર-૭ પોલીસ મથકમાં ત્રણ શખસો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
કૌભાંડની વિગત મુજબ, મે ૨૦૨૫ માં ખાણ ખનિજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ડભોઈ પંથકમાં ગેરકાયદે ખનન કરતા વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા. આ વાહનો છોડાવવા માટે વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આરોપીઓ ચિરાગ રબારી, સોહમ ગજેરા અને હસમુખ કાંસકીવાલાએ વિભાગ પાસેથી અસલી ચલણો તો મેળવ્યા, પરંતુ બેંકમાં રકમ જમા કરાવવામાં મોટી રમત રમી હતી. સોહમ ગજેરાએ ₹૧૧.૮૩ લાખના દંડ સામે માત્ર ₹૨૦૮૭ ભર્યા હતા, જ્યારે ચિરાગ રબારીએ ₹૨.૦૫ લાખ સામે માત્ર ₹૧૩૮૭ ભરીને નકલી પાવતી બનાવી દીધી હતી.
આ ભૂ માફિયાઓએ મદદનીશ નિયામક આર્જવ શુક્લાની નકલી સહીઓ કરી આ ચલણો કચેરીમાં સાચા તરીકે રજૂ કર્યા હતા. વિભાગે આ દસ્તાવેજો પર વિશ્વાસ કરી જૂન ૨૦૨૫ માં જપ્ત કરાયેલા વાહનો મુક્ત કરી દીધા હતા. જોકે, વિભાગે જ્યારે ઓગસ્ટ મહિનામાં આ ચલણોની બેંકમાં ખરાઈ કરાવી ત્યારે ૧ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ બેંક રિપોર્ટમાં આ મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
ત્રણ મહિના સુધી વિભાગને અંધારામાં રાખી આરોપીઓએ સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો છે. હાલમાં રોયલ્ટી ઈન્સ્પેક્ટર નિસર્ગ ભટ્ટની ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સરકારી વિભાગોમાં દસ્તાવેજોની ચકાસણીની પદ્ધતિ સામે પણ મોટા સવાલો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ રીઢા ગુનેગારોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે.