"ગીરના જંગલમાં વન વિભાગનો 'માસ્ટર સ્ટ્રોક': 400 હેક્ટરમાંથી કુવાડિયાનો સફાયો કરી કુદરતી ઘાસ ઉગાડાયું"
- એશિયાઈ સિંહોના નિવાસસ્થાનમાં આહાર શૃંખલા મજબૂત કરવા મોટું અભિયાન - તૃણાહારી પ્રાણીઓની સંખ્યામાં થશે વધારો
- મિકેનિકલ કટર્સની મદદથી આક્રમક વનસ્પતિનો નાશ - જૂનાગઢ DCF પ્રશાંત તોમરના માર્ગદર્શન હેઠળ સફળ પ્રયોગ
- ચીતલ, સાબર અને નીલગાય માટે સુવર્ણકાળ - દેવળિયા રેન્જના બેરીયા અને આબુડી વિસ્તારનો કાયાકલ્પ
એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગીરના જંગલમાં વન વિભાગે એક અદભૂત 'માસ્ટર સ્ટ્રોક' માર્યો છે. છેલ્લા કેટલાક સમયથી જંગલના કુદરતી ઘાસના મેદાનો પર આક્રમક એવી 'કુવાડિયા' વનસ્પતિનું પ્રમાણ વધી ગયું હતું, જે જંગલની ઇકોસિસ્ટમ માટે મોટો ખતરો સાબિત થઈ રહી હતી. જૂનાગઢ વન વિભાગે આ સમસ્યાના ઉકેલ માટે 400 હેક્ટર જમીન પર કુવાડિયાનો નાશ કરી ત્યાં ફરીથી કુદરતી ઘાસ ઉગાડવામાં સફળતા મેળવી છે.
જૂનાગઢ વન વિભાગના ડીસીએફ પ્રશાંત તોમરે જણાવ્યું કે, "વૈજ્ઞાનિક રીતે 'સેના ટોરા' તરીકે ઓળખાતી આ વનસ્પતિ સ્થાનિક ઘાસ સાથે સ્પર્ધા કરી તેને દબાવી દે છે. કુવાડિયા વધતા તૃણાહારી પ્રાણીઓને ખોરાક મળતો બંધ થાય છે, જેની સીધી અસર આખી આહાર શૃંખલા પર પડે છે." આ પડકારને પહોંચી વળવા માટે દેવળિયા રેન્જના બેરીયા અને આબુડી વિસ્તારમાં મિકેનિકલ કટર્સનો ઉપયોગ કરી કુવાડિયાને મૂળમાંથી જમીનદોસ્ત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને આ વનસ્પતિમાં બીજ આવે તે પહેલાં જ તેને કાપી નાખવામાં આવતા તેનો ફેલાવો અટકી ગયો છે.
વન વિભાગના આ પ્રયાસોને કારણે હવે ગીરના આ 400 હેક્ટર વિસ્તારમાં લિલોતરી લહેરાઈ રહી છે. કુદરતી ઘાસનું પ્રમાણ વધતા ચીતલ, સાબર અને નીલગાય જેવા તૃણાહારી પ્રાણીઓ હવે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. પ્રાણીઓને પૂરતો આહાર મળતા તેમની સંખ્યામાં પણ કુદરતી વધારો થશે, જે સિંહો જેવા શિકારી પ્રાણીઓ માટે મજબૂત 'પ્રે-બેઝ' (ખોરાકનો આધાર) તૈયાર કરશે.
ગીરના જંગલના મેનેજમેન્ટ પ્લાન મુજબ આ એક ક્રાંતિકારી પગલું માનવામાં આવે છે. વન વિભાગના આ પ્રયોગથી માત્ર વનસ્પતિનો નાશ નથી થયો, પરંતુ આખું જંગલ તેની કુદરતી સ્થિતિમાં પાછું ફરી રહ્યું છે. આગામી સમયમાં અન્ય વિસ્તારોમાં પણ આ પદ્ધતિ અપનાવીને ગીરને સંપૂર્ણપણે આક્રમક વનસ્પતિઓથી મુક્ત કરવાનું આયોજન વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.