ફિરોઝ સંધીના દારૂના પાઈલોટિંગમાં પોલીસ કર્મચારીની સંડોવણી ?
- પોલીસે ફિરોઝને પાલનપુર પાસેથી ઝડપી લીધો
- હજુ ફિરોઝની મોબાઈલ ચેટ અને કોલ ડિટેઈલ કઢાવામાં આવે તો અનેક રહસ્ય ખૂલશે ?
સિટી ન્યૂઝ@રાજકોટ
સ્ટેટ મોનિટરિંગ સેલની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે! બે દિવસ પહેલાં જ SMCની ટીમે જે વિસ્તારમાં દરોડો પાડ્યો હતો, ત્યાં જ બાજુમાં આવેલા એક શંકાસ્પદ ગોડાઉનને ચેક કરવાની તસ્દી લીધી નહોતી. સ્ટેટ મોનિટરિંગ સેલની આ મહેરબાની અથવા ઘોર બેદરકારીનો પર્દાફાશ કરીને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની પી.સી.બી.ની ટીમે તે જ ગોડાઉનમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને ગાંધીનગરની ટીમને વળતો જવાબ આપ્યો છે. રાજકોટ શહેરના કુવાડવા રોડ પરથી એસએમસીએ રૂ. ૭૦ લાખથી વધુનો વિદેશી દારૂ બે દિવસ પહેલા દરોડો પાડી ઝડપી લીધો હતો અને તેમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ કુવાડવા પીઆઇ વસાવાને સસ્પેન્ડ કરી નાખ્યા હતા.
આ દરોડા બાદ PCBના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આર. ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ આખી ટીમ એક્શન મોડમાં આવી ગઈ હતી અને પેટ્રોલિંગ વધાર્યું હતું. તે દરમિયાન જ બાતમી મળી હતી કે, કુવાડવા-વાંકાનેર હાઈવે પર આર.કે. ઇન્ડસ્ટ્રીઝ ઝોન નં.૯ના પ્લોટ નં.૪માં આવેલા શ્રી રામદેવ નામના ગોડાઉનમાં દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. પોલીસે દરોડો પાડતા ગોડાઉનમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ ૧,૯૨૦ બોટલ કિંમત રૂ.૩,૩૨,૧૬૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ સમગ્ર નેટવર્ક પાછળ રાજકોટના નામચીન લિસ્ટેડ બુટલેગર ફિરોઝ હાસમભાઈ મેણુ સંધીનું નામ ખુલ્યું છે. ફિરોઝ સંધીને ઉઠાવી લેવા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.
ફિરોઝ હાસમ મેણુ અને તેને વિદેશી દારૂ સપ્લાય કરનાર રાજસ્થાનના સુમેરપુરના વિજયપાલસિંહ રાઠોડને પણ પાલનપુર પાસેથી ઝડપી લેવાયા છે. અને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ફિરોઝ સંધીના વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવામાં એક મહત્ત્વની બ્રાન્ચના પોલીસ કર્મચારીની સંડોવણી ખુલ્યાની ચર્ચા થઈ રહી છે અને તેના વોટ્સએપ મેસેજ મળતા પોલીસ તંત્ર એકશનમાં આવ્યું છે અને તેની સામે પણ પગલા તોળાઈ રહ્યાનું જાણવા મળે છે.