Loading Please Wait !!!
ગુજરાતના ખેડૂતો પર ખાતર સંકટ: 39 Million ટનની માંગ સામે અડધો સ્ટોક

 

  • ઇઝરાયલ-ઈરાન યુદ્ધની અસર- DAP ની ભીષણ અછતથી ખેતીમાં મોટા નુકસાનની ભીતિ

  •  ખેડૂતોનું બજેટ ખોરવાયું- સબસિડી ઘટતા આત્મનિર્ભરતાના દાવાઓ વચ્ચે આયાત પર નિર્ભરતા

  •  વૈશ્વિક અસ્થિરતાનો ભોગ બનતો ધરતીપુત્ર- પોટાશ અને યુરિયા માટે સરકારી કેન્દ્રો પર પડાપડી

    ઇઝરાયલ, અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે ગુજરાતના કૃષિ ક્ષેત્ર પર પડવાની શરૂ થઈ ગઈ છે. મધ્ય પૂર્વના દેશોમાંથી આવતા ખાતરના પુરવઠામાં ધરખમ ઘટાડો થવાને કારણે રાજ્યમાં ડાય એમોનિયમ ફોસ્ફેટ (DAP) ખાતરની તીવ્ર અછત સર્જાઈ છે. વર્ષ 2026ની ખરીફ સિઝન માટે અંદાજે 39 Million ટન ખાતરની જરૂરિયાત સામે અત્યારે માત્ર 18 Million ટન જેટલો જ જથ્થો ઉપલબ્ધ છે, જે ખેડૂતો માટે અત્યંત ચિંતાજનક સ્થિતિ છે.

    છેલ્લા 10 મહિનાના આંકડાકીય વિશ્લેષણ મુજબ, ખાતરના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. એનપીકે (NPK) ખાતરમાં 850 રૂપિયા, પોટાશમાં 550 રૂપિયા અને ડીએપીમાં 150 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા સબસિડીના દરો નિશ્ચિત કરી દેવામાં આવતા આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા ભાવનો સીધો આર્થિક બોજ હવે ખેડૂતોના ખિસ્સા પર આવી રહ્યો છે. આ સ્થિતિમાં નાના અને સીમાંત ખેડૂતો માટે ખેતીનો ઇનપુટ ખર્ચ અસહ્ય બની ગયો છે.

    ભારત હજુ પણ ખાતર માટે મોટાપાયે આયાત પર નિર્ભર છે, જેમાં કુલ માંગના માત્ર 65 થી 70 ટકા જરૂરિયાત જ ઘરેલુ ઉત્પાદન દ્વારા પૂર્ણ થાય છે. બાકીના 30 થી 35 ટકા પુરવઠા માટે વૈશ્વિક બજારોની દયા પર રહેવું પડે છે. ખાસ કરીને નાઇટ્રોજનયુક્ત ખાતર અને પોટાશમાં ભારતની નિર્ભરતા લગભગ 100 ટકા જેટલી છે. યુદ્ધને કારણે સપ્લાય ચેઇન ખોરવાતા બંદરો પર માલ પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે, જેની અસર સ્થાનિક વિતરણ વ્યવસ્થા પર પડી રહી છે.

    વૈશ્વિક ભાવમાં વધારો અને સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડાને કારણે ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહ્યું નથી. વિપક્ષી નેતાઓના આક્ષેપ મુજબ, સરકારના પર્યાપ્ત સ્ટોકના દાવાઓ ગ્રાઉન્ડ લેવલ પર પોકળ સાબિત થઈ રહ્યા છે. જો સમયસર ખાતરનો જથ્થો પૂરો પાડવામાં નહીં આવે, તો પાક ઉત્પાદનમાં મોટો ઘટાડો થઈ શકે છે અને તેના કારણે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

    નિષ્ણાતોના મતે, સરકાર દ્વારા ઘરેલુ યુરિયા અને ફોસ્ફેટિક ખાતરની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે તાત્કાલિક પગલાં લેવા અનિવાર્ય છે. ભાવને સ્થિર કરવા માટે સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ જેથી ખેડૂતો આર્થિક દેવામાં ન ડૂબે. ખેતીના મહત્વના તબક્કે જ ખાતરની અછત સર્જાતા ગ્રામીણ અર્થતંત્રમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં જો પુરવઠો સુરક્ષિત નહીં કરવામાં આવે, તો ખેડૂતોની સમસ્યા વધુ વિકટ બનશે અને તેની માઠી અસર રાજ્યના જીડીપી પર પણ પડી શકે છે.