રાજકોટમાં ચૂંટણી બહિષ્કારનું રણશિંગું: "દેશી દારૂની પોટલી અહીં મળે છે", રહીશોએ બેનર લગાવી નેતાઓને ખખડાવ્યા!
- વોર્ડ-1 ની ઋષિ વાટિકા સોસાયટીમાં રોષનો ભભૂકો – દારૂડિયાઓના ત્રાસથી બહેન-દીકરીઓનું નીકળવું મુશ્કેલ
- 22 વર્ષથી ગંદકી અને દારૂની સમસ્યા યથાવત – અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા રહીશોએ ફાડ્યા બેનર
- ઋષિ વાટિકાના રહીશોનો 'નો વોટ' નો નિર્ધાર – રાત્રે 8 પછી દારૂડિયાઓ રસ્તા પર સૂતા હોવાના ગંભીર આક્ષેપ
રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વોર્ડ નંબર 1 માં આવતી ઋષિ વાટિકા સોસાયટીના રહીશોએ નેતાઓ સામે મોરચો માંડ્યો છે. આ વિસ્તારમાં દેશી દારૂના દૂષણથી કંટાળેલા લોકોએ સોસાયટીના નાકે અનોખા બેનર લગાવ્યા છે, જેમાં લખ્યું છે કે ‘દેશી દારૂની પોટલી આ તરફ મળે છે’. આ સાથે જ રહીશોએ કોઈપણ રાજકીય પક્ષના નેતાઓ કે કાર્યકર્તાઓને સોસાયટીમાં પ્રવેશ ન કરવા વિનંતી કરી છે. વર્ષો જૂની આ સમસ્યાનું નિરાકરણ ન આવતા જનતામાં પ્રચંડ આક્રોશ જોવા મળી રહ્યો છે.
સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર, ઋષિ વાટિકાથી આગળ રૈયા ધાર વિસ્તારમાં ઝૂંપડપટ્ટી અને ખુલ્લા પ્લોટમાં દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. સ્થાનિક મહિલા નયનાબેન ત્રિવેદીએ વ્યથા ઠાલવતા કહ્યું કે, "અમે અહીં 22 વર્ષથી રહીએ છીએ. રાત્રે 8 વાગ્યા પછી દારૂડિયાઓ રસ્તા પર ગમે ત્યાં સૂતા હોય છે અને અસભ્ય ગાળાગાળી કરે છે. પોલીસ અને નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ અમારી વાત સાંભળતું નથી." આ સ્થિતિમાં બહેન-દીકરીઓનું ઘરની બહાર નીકળવું પણ જોખમી બન્યું છે.
રહીશોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી આવતા જ નેતાઓ મધમીઠા વાયદા કરવા દોડી આવે છે, પરંતુ જીત્યા પછી મોઢું પણ બતાવતા નથી. પુષ્પાબેન રાઠોડ નામના મહિલાએ જણાવ્યું કે, "અમારા ઘરની દીકરીઓ કે વહુઓ સુરક્ષિત રીતે નીકળી શકતી નથી. જો તંત્ર અમારી સુરક્ષા સુનિશ્ચિત ન કરી શકતું હોય, તો અમારે મત આપવાનો કોઈ અર્થ રહેતો નથી." વૃદ્ધ રહીશો પણ રોડ-રસ્તા અને ગંદકીના પ્રશ્ને લાચાર બન્યા છે અને હવે આ આક્રોશ બેનરના સ્વરૂપે બહાર આવ્યો છે.
ઋષિ વાટિકા સોસાયટીના લોકોએ સામૂહિક નિર્ણય લીધો છે કે જો ચૂંટણી પૂર્વે આ દારૂના અડ્ડાઓ બંધ કરવામાં નહીં આવે અને રસ્તાની સમસ્યા હલ નહીં થાય, તો તેઓ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. આ વિસ્તારમાં લાંબા સમયથી પાયાની સુવિધાઓનો અભાવ હોવાથી લોકોએ હવે 'કામ નહીં તો મત નહીં' નું સૂત્ર અપનાવ્યું છે. નેતાઓની ગાડીઓ આ સોસાયટીના નાકેથી જ પાછી વળી રહી છે, જે આગામી ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે મુશ્કેલીના સંકેત આપી રહી છે.
રાજકોટના રાજકારણમાં અત્યારે આ 'પોટલી' વાળું બેનર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પોલીસ તંત્ર હવે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારશે કે કેમ અને રાજકીય નેતાઓ જનતાના આ આક્રોશને શાંત પાડવા શું પગલાં લેશે તે જોવું રહ્યું. હાલ તો ઋષિ વાટિકાની જનતાએ સ્પષ્ટ કહી દીધું છે કે અમને સાંભળનારા નેતા જોઈશે, માત્ર વાયદા કરનારા નહીં.