"યોગની આડમાં આર્થિક આતંકવાદ: પ્રદીપ જોટાંગિયાના નકલી નોટ કૌભાંડમાં ચીન-પાક. કનેક્શનની તપાસ"
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૭ આરોપીઓને ૧૦ દિવસના રિમાન્ડ પર લીધા - NIA અને રૉ પણ તપાસમાં જોડાઈ.
૩ મહિનામાં ૩ કરોડની નકલી નોટો બજારમાં ઠાલવી - ચીનથી આવતા ખાસ કાગળનો ઉપયોગ.
અસલી નોટ સ્કેન કરી સિરિયલ નંબર બદલવાની નવી ટેકનિક - ઘી કાંટા કોર્ટે આપ્યા રિમાન્ડ.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા રેકેટનો પર્દાફાશ કર્યો છે જે દેશની આર્થિક સુરક્ષા માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે છે. સુરતના કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા અને તેના ૬ સાગરીતોએ છેલ્લા ત્રણ મહિનામાં અંદાજે ૩ કરોડ રૂપિયાની નકલી નોટો બજારમાં વહેતી કરી દીધી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મુકેશ ઠુમ્મર નામના આરોપીના ઘરેથી ૫૦૦ ના દરની અંદાજે ૭૮ લાખ રૂપિયાની નકલી નોટો અને અત્યાધુનિક છાપકામ મશીનો જપ્ત કર્યા છે.
આ કેસની સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આરોપીઓ નકલી નોટ બનાવવા માટે એઆઈ (AI) ટેકનોલોજીનો સહારો લેતા હતા, જેથી નોટ પકડવી સામાન્ય માણસ માટે અશક્ય બની જતી હતી. વળી, આ નોટ માટેનો કાગળ ચીનથી વાયા પાકિસ્તાન થઈને આવતો હોવાની આશંકાને પગલે કેન્દ્રીય એજન્સીઓ NIA અને રૉ એ પણ અમદાવાદમાં ધામા નાખ્યા છે. તપાસનીશ અધિકારીઓના મતે, આ માત્ર પૈસા કમાવવાનું કૌભાંડ નથી પણ ભારતના અર્થતંત્રમાં 'ફેક કરન્સી' ઘુસાડીને તેને નબળું પાડવાનું આંતરરાષ્ટ્રીય કાવતરું હોઈ શકે છે.
ઘી કાંટા કોર્ટે પ્રદીપ જોટાંગિયા, મુકેશ ઠુમ્મર અને અન્ય પાંચ આરોપીઓને ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં કેટલા લોકોને છેતરવામાં આવ્યા છે અને આ નેટવર્કના તાર અન્ય કયા રાજ્યોમાં ફેલાયેલા છે. આરોપીઓના વાર્ષિક આઈટી રિટર્ન અને બેંક સ્ટેટમેન્ટ્સ પણ સ્કેન કરવામાં આવી રહ્યા છે જેથી તેમના નાણાકીય સ્ત્રોતો સુધી પહોંચી શકાય.