Loading Please Wait !!!
અંડરવર્લ્ડ પર EDની તવાઈ: ઇકબાલ મિર્ચીની ₹700 કરોડની સંપત્તિ જપ્ત

  • ભારતથી દુબઈ સુધી ફેલાયેલું હતું નેટવર્ક; મુંબઈના વર્લીની મોંઘીદાટ જમીનો EDના સકંજામાં.
  • ટ્રસ્ટ અને પરિવારના નામે છુપાવેલી મિલકતોનો પર્દાફાશ; મુંબઈની 3 મોટી જમીનો અટેચ.
  • ગેરકાયદે કમાણીથી વિદેશમાં ઉભું કર્યું હતું સામ્રાજ્ય; PMLA હેઠળ કડક કાર્યવાહી.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી : અંડરવર્લ્ડ કનેક્શન અને મની લોન્ડરિંગના મોટા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દાઉદ ઇબ્રાહિમના અત્યંત નજીકના સહયોગી ઇકબાલ મિર્ચી વિરુદ્ધ મોટી સફળતા મેળવી છે. ED દ્વારા ઇકબાલ મિર્ચીની ભારત અને દુબઈમાં આવેલી અંદાજે ₹700 કરોડની ગેરકાયદે સંપત્તિઓને જપ્ત કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ તમામ મિલકતો ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવેલી કમાણીથી ખરીદવામાં આવી હતી.

EDની તપાસ મુજબ, જપ્ત કરાયેલી મિલકતોમાં મુંબઈના પોશ વિસ્તાર વર્લીમાં ડૉ. એની બેસન્ટ રોડ પર આવેલી ત્રણ વિશાળ જમીનોનો સમાવેશ થાય છે, જેમાં રાબિયા મેન્શન, મરિયમ લોજ અને સી વ્યુ સામેલ છે. આ પ્રોપર્ટીઓ અંદાજે 4970 ચોરસ મીટરમાં ફેલાયેલી છે. આ ઉપરાંત, દુબઈમાં આવેલી હોટેલ મિડવેસ્ટ એપાર્ટમેન્ટ તેમજ કોર્પોરેટ બે અને DEC ટાવર્સમાં આવેલા લગભગ 14 રિયલ એસ્ટેટ યુનિટ્સ પર પણ EDએ સકંજો કસ્યો છે.

ચોંકાવનારી વિગત એ છે કે આ મિલકતો સીધી રીતે ઇકબાલ મિર્ચીના નામે નહોતી, પરંતુ ટ્રસ્ટો અને પરિવારના સભ્યોના નામે છુપાવવામાં આવી હતી. ED ના અહેવાલ મુજબ, મોહમ્મદ યુસુફ ટ્રસ્ટ ઉપરાંત આસિફ ઇકબાલ મેમન, જુનૈદ ઇકબાલ મેમન અને હાજરા ઇકબાલ મેમન જેવા નામોનો ઉપયોગ 'ફ્રન્ટ' તરીકે કરવામાં આવ્યો હતો જેથી વાસ્તવિક માલિકી છુપાવી શકાય. આ પરિવાર દ્વારા આયોજનબદ્ધ રીતે કાળું નાણું ફેરવીને તેને કાયદેસર દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી કમાયેલા પૈસાનો મોટો હિસ્સો વિદેશમાં મોકલી દેવામાં આવ્યો હતો, જેને કારણે શરૂઆતમાં તપાસમાં અવરોધો આવ્યા હતા. જોકે, EDએ હવે આ તમામ મિલકતોને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ 'પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ' તરીકે જાહેર કરી છે. આ સાથે જ ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ (FEO) હેઠળ પણ આ મિલકતો જપ્ત કરી શકાય તેમ EDએ સ્પષ્ટ કર્યું છે.

હાલમાં ED દ્વારા આ આખા પ્રોપર્ટી નેટવર્કની ઊંડી તપાસ ચાલી રહી છે, જેમાં ગેરકાયદે પૈસા ક્યાં અને કેવી રીતે ઠેકાણે લગાડવામાં આવ્યા તેના પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા તત્વોની મિલકતો પર EDનો આ સૌથી મોટો પ્રહાર માનવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ નામો બહાર આવવાની અને વધુ અસ્કયામતો જપ્ત થવાની શક્યતા સેવાઈ રહી છે.