Loading Please Wait !!!
તહેવારો ટાણે મોંઘવારીનો માર: કિસમિસમાં 80% અને એલચીમાં 30% નો ભાવવધારો

 

  • ખાંડ ₹70 ને પાર પહોંચ્યા બાદ કિસમિસ, બદામ અને એલચીના ભાવ આસમાને પહોંચ્યા

  • શ્રાવણ માસના ચૂરમા લાડુ અને ગણેશોત્સવના પ્રસાદ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું

  • થોડા સમય પહેલાં ₹250 માં મળતી કિસમિસનો ભાવ સીધો વધીને ₹450 પ્રતિ કિલો થયો

સિટી ન્યુઝ @ અમદાવાદ

સમગ્ર રાજ્યમાં તહેવારોની મોસમ શરૂ થતાં જ સામાન્ય જનતા મોંઘવારીના ભારે બોજ હેઠળ દબાઈ રહી છે. ખાંડના ભાવ પ્રતિ કિલો ₹70 ને પાર પહોંચી ગયા બાદ હવે સુકામેવાના ભાવમાં પણ તોતિંગ વધારો ઝીંકાયો છે. હાલ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસાદમાં ધરાવાતા ચૂરમાના લાડુથી માંડીને વિવિધ વાનગીઓમાં ઉપયોગમાં લેવાતી કિસમિસના ભાવમાં 80% નો વિસ્ફોટક વધારો નોંધાયો છે. આ ઉપરાંત બદામમાં 20% અને એલચીમાં 30% નો ભાવવધારો થતાં સુકોમેવો સામાન્ય વર્ગની પહોંચ બહાર જઈ રહ્યો છે.

માર્કેટના વેપારી વર્તુળો પાસેથી મળતી માહિતી મુજબ થોડા સમય અગાઉ પ્રતિ કિલો ₹250 ના ભાવે મળતી કિસમિસનો ભાવ વધીને સીધો ₹450 એ પહોંચી ગયો છે. તેવી જ રીતે 1 સપ્તાહ પૂર્વે ₹1000 પ્રતિ કિલો વેચાતી બદામના ભાવ વધીને ₹1200 થઈ ગયા છે. એલચીનો ભાવ જે અગાઉ પ્રતિ કિલો ₹3500 હતો, તેમાં 30% નો વધારો થતાં હવે તે ₹4500 ના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. સુકામેવા ઉપરાંત લોટ અને તેલ જેવી દૈનિક ચીજો પણ મોંઘી થઈ છે.

કાચા માલના કમરતોડ ભાવવધારાની સીધી અસર તહેવારોની મીઠાઈઓ અને ધાર્મિક પ્રસાદ પર પડી રહી છે. હાલ શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરોમાં મહાદેવને ધરાવાતા ચૂરમાના લાડુ મોંઘા બન્યા છે. આગામી સમયમાં આવી રહેલા રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં મોં મીઠું કરાવવા માટે વપરાતી મીઠાઈઓ તેમજ ત્યારબાદ આવનારા ગણેશોત્સવ દરમિયાન ગણેશજીને ધરાવાતા મોદક અને લાડુના પ્રસાદના બજેટ પર પણ મોંઘવારીની સીધી અસર જોવા મળશે.

શહેરના દૂધ અને મીઠાઈના વેપારીઓના જણાવ્યા મુજબ ખાંડના ભાવમાં 40% જેટલો મોટો વધારો થયો છે. આ સાથે દૂધ, માવો, સુકોમેવો અને અન્ય તમામ કાચા માલના દરો વધી ગયા છે. અગાઉ મીઠાઈ અને ફરસાણના ઉત્પાદનમાં વપરાતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. આ તમામ પડકારોને કારણે ઉત્પાદન ખર્ચ વધતાં મીઠાઈઓના ભાવ વધારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

હાલ બજારમાં સરેરાશ ₹450 થી ₹1200 પ્રતિ કિલોના ભાવે વેચાતા પેંડા, કાજુ કતરી અને અન્ય પ્રીમિયમ મીઠાઈઓમાં 10% સુધીનો વધારો અમલી બનવા જઈ રહ્યો છે. કેટલાક અગ્રણી વેપારીઓએ તો અત્યારથી જ પ્રતિ કિલોએ ₹40 થી ₹50 નો ભાવવધારો લાગુ કરી દીધો છે, જેનાથી તહેવારો ટાણે ગ્રાહકોના ખિસ્સા પર સીધો બોજ પડશે.

સુકામેવો મોંઘો થતાં મીઠાઈના ભાવ વધશે

તહેવારો ટાણે ખાંડ બાદ સુકામેવાના ભાવ આસમાને પહોંચ્યા છે. કિસમિસ 80% વધીને ₹450, બદામ ₹1200 અને એલચી ₹4500 પ્રતિ કિલો થઈ છે. કાચા માલ અને કોમર્શિયલ ગેસના ભાવ વધતાં શ્રાવણ અને રક્ષાબંધન પૂર્વે મીઠાઈઓમાં 10% એટલે કે ₹40 થી ₹50 નો વધારો ઝીંકાયો છે.