દિશા પટાણીનું હોલિવુડમાં શાનદાર ડેબ્યુ: ‘ધી પોર્ટલ ઓફ ફોર્સ’ માં ભજવશે જેસિકાનો રોલ
- કેવિન સ્પેસી અને ટાયરેસ ગિબ્સન જેવા દિગ્ગજો સાથે જોવા મળશે અભિનેત્રી; ટ્રેલર લોન્ચ
- અફેર અને બ્રેકઅપની ચર્ચાઓ વચ્ચે અભિનેત્રીએ કામથી આપ્યો જવાબ; હોલિવુડમાં નવી શરૂઆત
- વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં નજીવી ભૂમિકા બાદ હવે વૈશ્વિક મંચ પર નસીબ અજમાવશે દિશા
સિટી ન્યુઝ @ મુંબઈ
ભારતીય અભિનેત્રી દિશા પટાણીએ પોતાની કારકિર્દીમાં એક નવો વળાંક લેતા હોલિવુડમાં સત્તાવાર રીતે ડેબ્યુ કર્યું છે. તે આગામી સુપર નેચરલ હોરર થ્રીલર ફિલ્મ 'ધી પોર્ટલ ઓફ ફોર્સ'માં 'જેસિકા' નામની યુવતીના મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રીલિઝ કરવામાં આવ્યું છે, જેમાં દિશાનો લુક અને અભિનય આંતરરાષ્ટ્રીય સ્તરના મેકિંગ સાથે જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે હોલિવુડના જાણીતા કલાકારો કેવિન સ્પેસી અને ટાયરેસ ગિબ્સન પણ સ્ક્રીન શેર કરતા નજરે પડશે.
દિશા પટાણીએ આ ખાસ અવસરે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હોલિવુડમાં કામ કરવાનો અનુભવ તેના માટે અદ્ભુત રહ્યો છે. આંતરરાષ્ટ્રીય કાસ્ટ અને ક્રૂ સાથે કામ કરવાથી તેને પ્રોફેશનલ સ્તરે ઘણું નવું શીખવા મળ્યું છે. હોલિવુડની વર્ક કલ્ચર અને શિસ્તબદ્ધતાથી તે પ્રભાવિત થઈ છે. તેણે વધુમાં ઉમેર્યું કે આ ફિલ્મ તેના માટે માત્ર એક પ્રોજેક્ટ નથી પણ એક મોટું લર્નિંગ એક્સપોઝર છે, જે તેની એક્ટિંગ સ્કીલ્સને વધુ ધારદાર બનાવશે.
ઉલ્લેખનીય છે કે, બોલિવુડમાં દિશા પટાણી મોટાભાગે પોતાની ફિલ્મો કરતા ટાઈગર શ્રોફ સાથેના અફેર અને ત્યારબાદ થયેલા બ્રેકઅપની અફવાઓને કારણે જ સોશિયલ મીડિયા અને મીડિયામાં ચર્ચામાં રહી છે. તેણે અત્યાર સુધીમાં હિન્દી અને તેલુગુ ભાષાની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તે હજુ સુધી ભારતીય સિનેમામાં પોતાની કોઈ મજબૂત કે આગવી ઓળખ ઉભી કરવામાં ખાસ સફળ રહી શકી નથી. તેની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી.
તાજેતરના સમયમાં દિશાના કામની વાત કરીએ તો, જાણીતા દિગ્દર્શક વિશાલ ભારદ્વાજની ફિલ્મ 'ઓ રોમિયો'માં તે જોવા મળી હતી, પરંતુ તે ફિલ્મમાં તેની ભૂમિકા તદ્દન નજીવી અને ટૂંકી હતી. જેની ટીકાકારોએ પણ નોંધ લીધી હતી કે એક મુખ્ય અભિનેત્રી તરીકે તેને પૂરતું મહત્વ મળ્યું નથી. આવા સંજોગોમાં હોલિવુડની સુપર નેચરલ હોરર ફિલ્મમાં મહત્વનું પાત્ર મળવું તે દિશા માટે કારકિર્દીનો ‘ટર્નિંગ પોઈન્ટ’ સાબિત થઈ શકે છે.
ફિલ્મ 'ધી પોર્ટલ ઓફ ફોર્સ'નું ટ્રેલર રીલિઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ફેન્સ તેને અભિનંદન આપી રહ્યા છે. હોરર અને થ્રીલરના શોખીનો માટે આ ફિલ્મ એક નવું આકર્ષણ બની રહેશે. હવે જોવાનું એ રહેશે કે બોલિવુડમાં જે સ્થાન મેળવવામાં દિશા સંઘર્ષ કરી રહી હતી, શું તે હોલિવુડના પડદા પર પોતાની પ્રતિભા સાબિત કરી શકશે? આંતરરાષ્ટ્રીય સ્તરે આ ફિલ્મની સફળતા દિશા માટે વિશ્વભરના અન્ય મોટા પ્રોજેક્ટ્સના દ્વાર ખોલી શકે છે.