અમીષા પટેલનો બોલિવૂડની નવી અભિનેત્રીઓ પર ‘ગદર’ પ્રહાર: PR ગેમનો પર્દાફાશ
- એક પણ સોલો બ્લોકબસ્ટર વગર સ્ટારડમનો દેખાડો કરનારીઓ સામે સકીના લાલચોળ
- 200 કરોડની કમાણી વગર ગ્લોબલ સુપરસ્ટાર બનવાના દાવા પર અમીષાના તીખા સવાલ
- સોશિયલ મીડિયા પર શ્રેણીબદ્ધ ટ્વીટ્સ કરીને નકલી સ્ટારડમની ફેક્ટરી પર કર્યા પ્રહાર
સિટી ન્યુઝ @ મુંબઈ : બોલિવૂડની જાણીતી અભિનેત્રી અમીષા પટેલ તેના બેબાક અંદાજ અને સ્પષ્ટવક્તા હોવાને કારણે ફરી એકવાર વિવાદોના વંટોળમાં આવી છે. મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર શ્રેણીબદ્ધ ટ્વીટ્સ કરીને તેણે બોલિવૂડની નવી પેઢીની અભિનેત્રીઓ અને તેમના પીઆર (PR) ગેમ પર આકરા પ્રહારો કર્યા છે. અમીષાએ કોઈનું નામ લીધા વગર કડવું સત્ય કહેતા જણાવ્યું કે, માત્ર પીઆર ગેમ રમીને પોતાને સુપરસ્ટાર કહેવડાવવાનું હવે બંધ કરવું જોઈએ. તેના મતે, વર્ષમાં માત્ર બે ફિલ્મો કરવાથી કે સેટ પર ફરવાથી કોઈ સ્ટાર નથી બની જતું.
અમીષાએ 100 કરોડની ક્લબ અને ગ્લોબલ સુપરસ્ટારની વ્યાખ્યા પર સવાલો ઉઠાવતા લખ્યું કે, હાલ વર્ષ 2026 ચાલી રહ્યું છે, તેથી હવે 100 કરોડની કમાણી કોઈ મોટી વાત નથી. તેણે દાવો કર્યો કે કેટલીક અભિનેત્રીઓની ફિલ્મો 200 કરોડ પણ કમાતી નથી, છતાં તેઓ પૈસા આપીને પોતાને નંબર 1 કે નંબર 2 અભિનેત્રી તરીકે પ્રોજેક્ટ કરી રહી છે. અમીષાના મતે, અસલી ગ્લોબલ સુપરસ્ટાર એ જ છે જેની ફિલ્મો દુનિયાભરમાં કમાણી કરે અને જેણે બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચે તેવું સોલો કામ કર્યું હોય.
પોતાની સફળતાનો ઉલ્લેખ કરતા અમીષાએ જણાવ્યું કે, તેણે 'કહો ના પ્યાર હૈ', 'ગદર' અને 'ગદર 2' જેવી ત્રણ રેકોર્ડબ્રેક હિટ ફિલ્મો આપી છે. તેણે સ્વીકાર્યું કે તેનો પીઆર ગેમ ભલે નબળો હોય, પરંતુ તેના આંકડા અને દર્શકોનો ફૂટફોલ ઘણો મોટો હતો. અમીષાએ ગર્વ સાથે કહ્યું કે તેણે તેના તમામ કો-સ્ટાર્સને તેમની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મો આપવામાં મદદ કરી છે. તેણે નવી અભિનેત્રીઓને ટોણો મારતા કહ્યું કે માત્ર પ્રોજેક્ટ્સમાં કામ કરવાથી તમે એક્ટર બનો છો, સુપરસ્ટાર નહીં.
આ વિવાદ વચ્ચે અમીષાએ તેના ચાહકો માટે એક મોટા સમાચાર પણ આપ્યા છે. તેણે સત્તાવાર રીતે એલાન કર્યું છે કે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ગદર 3' ટૂંક સમયમાં થિયેટરોમાં આવશે. તેણે દાવો કર્યો છે કે આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર મોટો ધડાકો કરશે અને ફરી એકવાર ઇતિહાસ રચશે. 'ગદર 2' ની જબરદસ્ત સફળતા બાદ અમીષા ફરી એકવાર સકીનાના પાત્રમાં પડદા પર ધૂમ મચાવવા માટે પૂરી રીતે સજ્જ છે.
અમીષા પટેલના આ ટ્વીટ્સ બાદ સોશિયલ મીડિયા પર નવી પેઢીના ચાહકો અને અમીષાના સમર્થકો વચ્ચે જંગ છેડાઈ છે. કેટલાક લોકો તેને 'સત્ય વક્તા' કહી રહ્યા છે, જ્યારે કેટલાક તેને લાઈમલાઈટમાં આવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે. જોકે, અમીષાના આ આકરા પ્રહારોએ બોલિવૂડમાં પ્રવર્તી રહેલા ફેક પીઆર કલ્ચર પર ફરી એકવાર ચર્ચા જગાડી છે. હવે જોવાનું એ રહેશે કે બોલિવૂડની કઈ અભિનેત્રી અમીષાના આ 'ગદર' પ્રહારનો વળતો જવાબ આપે છે.