Loading Please Wait !!!
જામનગરના બાલા હનુમાન મંદિરમાં ભક્તિનો સાગર ઉમટ્યો: પ્રેમભિક્ષુજી મહારાજની 56મી પૂણ્યતિથિની ભવ્ય ઉજવણી!

  • અખંડ રામનામ જાપના પ્રણેતાને હજારો ભાવિકોએ અર્પી ભાવાંજલિ – નૂતન ધ્વજારોહણ અને ગુરુપૂજનના ત્રિવેણી સંગમ જેવો માહોલ
  • બિહારથી મુંબઈ સુધીના ભક્તો બાલા હનુમાનના દ્વારે – ચૈત્ર વદ-5 ના પવિત્ર દિવસે જામનગર બન્યું રામમય
  • મંદિર પરિસરમાં ધ્વજા પૂજન અને પરિભ્રમણના આકર્ષક દ્રશ્યો – હજારો ભાવિકો માટે શહેરમાં કરાઈ ખાસ ઉતારાની વ્યવસ્થા

જામનગરનું વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર આજે ફરી એકવાર ભક્તિના અનોખા રંગમાં રંગાયું હતું. અખંડ રામનામ જાપના ભગીરથ કાર્યના પ્રણેતા એવા પૂજ્ય પ્રેમભિક્ષુજી મહારાજની ૫૬મી પૂણ્યતિથિ નિમિત્તે મંદિરમાં ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ મંદિરમાં છેલ્લા ૬૨ વર્ષથી દિવસ-રાત એક પણ ક્ષણના વિરામ વગર અખંડ રામધૂન ચાલી રહી છે, જે શ્રદ્ધાનું અદભૂત ઉદાહરણ પૂરું પાડે છે.

ચૈત્ર વદ-૫ અને મંગળવારના પવિત્ર દિવસે આયોજિત આ કાર્યક્રમની શરૂઆત ધ્વજા પૂજનથી કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિર પરિસરમાં ભાવિકો દ્વારા ધ્વજાજીનું પરિભ્રમણ કરવામાં આવ્યું હતું. મંદિરની બાજુમાં બનાવવામાં આવેલા વિશાળ પંડાલમાં હજારો ભક્તોની ઉપસ્થિતિમાં ગુરુપૂજનનો ભાવભીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બાલા હનુમાન મંદિર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જે દ્રશ્ય જોઈ ભક્તો ભાવવિભોર બન્યા હતા. પૂજન, અર્ચન અને મહાઆરતી બાદ સૌ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

આ ધર્મોત્સવમાં માત્ર ગુજરાતના રાજકોટ, અમદાવાદ, દ્વારકા, ખંભાળિયા અને પોરબંદર જેવા શહેરો જ નહીં, પરંતુ મુંબઈ અને છેક બિહારથી પણ હજારોની સંખ્યામાં પ્રેમભિક્ષુજી મહારાજના અનુયાયીઓ અને હનુમાન ભક્તો ઉમટી પડ્યા હતા. જામનગર શહેરમાં આવતા આટલા મોટા ભક્તોના પ્રવાહને પહોંચી વળવા માટે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા શહેરની વિવિધ વાડીઓમાં ઉતારા અને ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી.

પૂજ્ય પ્રેમભિક્ષુજી મહારાજે શરૂ કરેલો આ અખંડ રામનામનો યજ્ઞ આજે પણ એટલા જ ઉત્સાહથી શરૂ છે, જે જામનગરને વિશ્વના ધાર્મિક નકશા પર ગૌરવ અપાવે છે. ભક્તોએ આ પવિત્ર દિવસે બાલા હનુમાનના દર્શન કરી અને પૂજ્ય મહારાજને સ્મરણાંજલિ અર્પી ધન્યતા અનુભવી હતી.