ગિરનારની ગોદમાં ઇન્દ્રેશ્વર મહાદેવે ભક્તોનું મહેરામણ
-
ગિરનાર નજીક દોલતપરા સ્થિત પૌરાણિક શિવાલયમાં વહેલી સવારથી ભીડ
-
નરસિંહ મહેતાની 7 દિવસની કઠોર સાધના અને ઈન્દ્રદેવની મુક્તિની કથા
-
શ્રાવણ માસ દરમિયાન રુદ્રીપાઠ, 1008 દીપમાળા અને સંત ભોજનનું આયોજન
સિટી ન્યુઝ @ જૂનાગઢ
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે જૂનાગઢ નજીક ગિરનારની મનોરમ ગોદમાં અને દોલતપરા પાસે આવેલા 650 વર્ષથી પણ વધુ પ્રાચીન પૌરાણિક શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું વિશાળ મહેરામણ ઉમટી પડ્યું હતું. શહેરથી આશરે 3 કિલોમીટર દૂર પ્રકૃતિના રમણીય ખોળામાં સ્થિત આ તીર્થધામમાં ઢોલ-શરણાઈના મધુર સૂર અને 'હર હર મહાદેવ' ના ગગનભેદી જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ શિવમય અને ભક્તિરસથી તરબતર બની ગયું હતું. પ્રથમ સોમવારે મહાદેવજીને વિશેષ અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો.
આ ઐતિહાસિક તીર્થ સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. માન્યતા મુજબ દેવરાજ ઇન્દ્રને ગૌતમ ઋષિના શ્રાપમાંથી મુક્તિ મેળવવા અહીં 10,000 વર્ષ સુધી તપસ્યા કરી શિવલિંગની સ્થાપના કરી હતી અને પવિત્ર જળથી તેમનો રોગ દૂર થયો હતો. આ ઉપરાંત આ પાવન ભૂમિ ભક્ત શિરોમણી નરસિંહ મહેતાની તપોભૂમિ પણ રહી છે. મંદિરના મહંત શ્રી રામાનંદજી બાપુએ જણાવ્યું હતું કે નરસિંહ મહેતાએ અહીં સાત દિવસ સુધી શિવલિંગને બાથ ભરીને 'ૐ નમઃ શિવાય' ના અખંડ જપ કર્યા હતા, જેનાથી પ્રસન્ન થઈ ભોલેનાથે તેમને સાક્ષાત દર્શન આપ્યા હતા અને તેમના 52 કાર્યો સિદ્ધ કર્યા હતા.
શ્રાવણ માસ દરમિયાન અહીં દર સોમવારે રુદ્રીપાઠ, 1008 દીવાની ભવ્ય દીપમાળા, સંત ભોજન અને મહાપૂજાના વિશેષ ધાર્મિક આયોજનો કરવામાં આવે છે. ગુજરાતભરમાંથી તેમજ દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ દર્શન કરીને માનસિક શાંતિ અને આધ્યાત્મિક ધન્યતા અનુભવે છે.
ગિરનારના ખોળે ઇન્દ્રેશ્વર મહાદેવે ભક્તોની ભીડ
જૂનાગઢના દોલતપરા સ્થિત 650 વર્ષ જૂના પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. દેવરાજ ઇન્દ્રના તપ અને નરસિંહ મહેતાની ભક્તિ સાધના સાથે જોડાયેલા આ ધામમાં વિશેષ શૃંગાર દર્શન, રુદ્રીપાઠ અને 1008 દીવાની દીપમાળાનું ભવ્ય આયોજન કરાયું છે.