વિકાસથી વંચિત રહેવાસીઓનો તંત્ર સામે રોષ:વોર્ડ 10ના શીતલાકુંડના વિકાસ કામ અટવાતા મનપા કમિશનરને લેખિતમાં રજૂઆત, 7 દિવસમાં કામ શરૂ ન થાય તો ઉપવાસની ચીમકી જૂનાગઢ26 મિનિટ પેહલા જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં નવાનગરવાડા વિસ્તારનું ઐતિહાસિક અને પૌરાણિક શીતલાકુંડ મંદિર છેલ્લા ઘણા સમયથી વિકાસના અભાવે અવ્યવસ્થિત સ્થિતિમાં છે.ધાર્મિક અને સામાજિક રીતે અત્યંત મહત્વ ધરાવતા આ સ્થળે વર્ષ દરમિયાન અનેક તહેવારો અને પ્રસંગોએ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા હોય છે, છતાં અહીં મૂળભૂત સુવિધાઓનો અભાવ યથાવત રહેતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે શીતળા સાતમ, મોટી સાતમ જેવા તહેવારો ઉપરાંત શ્રાવણ મહિનાના દરેક સોમવારે દીપમાળાના પ્રસંગે અહીં હજારો ભાવિકો ભેગા થાય છે. છતાં, તંત્ર દ્વારા સ્થળના વિકાસ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે ભાવિકોને તેમજ સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ મનપા કમિશનરને રજૂઆત કરી હતી. સ્થાનિકોએ મનપા કમિશનરને રજૂઆત કરી હતી. 50 લાખની ગ્રાંટ છતાં કામ ચાલુ ન થયું રહેવાસીઓનું કહેવું છે કે શીતલાકુંડના વિકાસ માટે જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા 50 લાખ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ વિકાસ કામ ફેઝ-1 અને ફેઝ-2 હેઠળ હાથ ધરવાનું જાહેર કરવામાં આવ્યું હતું અને તેની માહિતી ધારાસભ્યની ત્રિવેણી સંગમ પત્રિકામાં પણ પ્રકાશિત કરવામાં આવી હતી.આ જાહેરાતથી સ્થાનિકોમાં આશા જાગી હતી કે હવે શીતલાકુંડનો વિકાસ થશે અને અહીં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે. પરંતુ, વાસ્તવિક પરિસ્થિતિ તેનાથી વિપરીત જોવા મળી રહી છે.આજદિન સુધી સ્થળ પર કોઈ પણ પ્રકારનું વિકાસ કામ શરૂ થયું નથી.માત્ર પ્લાન અને નકશા તૈયાર થઈ રહ્યા હોવાના આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે,પરંતુ જમીન પર કોઈ કામગીરીનો અણસાર પણ દેખાતો નથી.આથી સ્થાનિકોમાં નિરાશા અને રોષ બંને વધી રહ્યા છે. શીતલાકુંડ મંદિરના વિકાસનો અભાવ. શીતલાકુંડ મંદિરના વિકાસનો અભાવ. પ્રતિક ઉપવાસ પર બેસવા મજબૂર બનવું પડશે:મિહિર મહેતા આ મુદ્દે શીતલાકુંડ વિસ્તારના રહેવાસી મિહિર મહેતાએ જણાવ્યું હતું કે અગાઉ 9 માર્ચ 2026ના રોજ મ્યુનિસિપલ કમિશનરને મૌખિક અને લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં તંત્ર તરફથી માત્ર આશ્વાસન જ મળ્યા છે. જો આગામી સાત દિવસમાં શીતલાકુંડના રિનોવેશનનું કામ શરૂ નહીં કરવામાં આવે તો તેઓ પ્રતિક ઉપવાસ પર બેસવા મજબૂર બનશે. ધાર્મિક સ્થળ છતાં, મૂળભૂત સુવિધાનો અભાવ બીજી તરફ, સ્થાનિક રહેવાસી નારાયણ મેઘજી ઝાલાએ પણ તંત્ર સામે તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો.તેમણે જણાવ્યું કે ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં અને અનેક રજૂઆતો છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. શિવરાત્રી અને હનુમાન જયંતી જેવા મોટા તહેવારો પસાર થઈ ગયા હોવા છતાં, કોઈ પણ અધિકારી કે સત્તાધીશે આ સ્થળની મુલાકાત લીધી નથી કે વિકાસ કામ ક્યારે શરૂ થશે તેની સ્પષ્ટતા કરી નથી.તંત્રની આ ઢીલી નીતિ સામે હવે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.રહીશોનું કહેવું છે કે આ સ્થળ માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક રીતે પણ મહત્વ ધરાવે છે,છતાં તેને અવગણવામાં આવી રહ્યું છે.સ્થળ પર સાફસફાઈ, બેસવાની વ્યવસ્થા, પાણી અને લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ યથાવત છે. પૌરાણિક મહત્વ જાળવવા કામ શરૂ કરવું જરૂરી આ પરિસ્થિતિથી કંટાળી શીતલાકુંડ વિસ્તારના રહીશોએ 2 એપ્રિલ 2026ના રોજ જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે.આ આવેદનમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે જો સાત દિવસની અંદર વિકાસ કામ શરૂ નહીં થાય, તો તેઓ પ્રતિક ઉપવાસ પર બેસશે. સાથે જ તેમણે આંદોલન કરવાની પણ ચેતવણી આપી છે.આવેદનપત્રમાં રહીશોએ જણાવ્યું છે કે શીતલાકુંડનું ઐતિહાસિક અને પૌરાણીક મહત્વ જાળવવા માટે તાત્કાલિક ધોરણે વિકાસ કામ શરૂ કરવું જરૂરી છે. તેઓએ કમિશનરને આ મુદ્દે ગંભીરતાથી વિચારવા અને ત્વરિત કાર્યવાહી કરવા વિનંતી કરી છે. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે તેઓ લાંબા સમયથી શાંતિપૂર્ણ રીતે રજૂઆતો કરતા આવ્યા છે, પરંતુ હવે તેમની સહનશક્તિનો અંત આવી રહ્યો છે. જો તંત્ર તરફથી યોગ્ય પ્રતિસાદ નહીં મળે, તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ઉપવાસ કરવા મજબૂર બનશે,જેના માટે સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.હાલમાં સમગ્ર મામલે તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી. હવે જોવાનું રહ્યું કે સ્થાનિકોના આ આંદોલનની ચેતવણી પછી તંત્ર કોઈ તાત્કાલિક પગલાં લે છે કે નહીં.
- ધારાસભ્ય સંજય કોરડીયાએ ફાળવેલા નાણાં ક્યાં વપરાયા? - 7 દિવસમાં કામ શરૂ નહીં થાય તો મિહિર મહેતા ઉતરશે ઉપવાસ પર
- તહેવારોમાં હજારો ભાવિકો ઉમટે છે છતાં પાયાની સુવિધાનો અભાવ - કાગળ પર પ્લાન તૈયાર પણ જમીન પર કામગીરી શૂન્ય
- શિવરાત્રી અને હનુમાન જયંતિ વીતી ગઈ પણ તંત્ર જાગ્યું નહીં - નારાયણ ઝાલા સહિતના રહીશોએ વ્યક્ત કર્યો તીવ્ર અસંતોષ
જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 માં આવેલું પૌરાણિક શીતલાકુંડ મંદિર આજે વિકાસના અભાવે પોતાની ઓળખ ગુમાવી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ અત્યંત મહત્વ ધરાવતા આ સ્થળના વિકાસ માટે ધારાસભ્ય દ્વારા લાખોની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં, તંત્રની ઢીલી નીતિને કારણે હજુ સુધી એક ઈંટ પણ મુકાઈ નથી. આ પરિસ્થિતિથી કંટાળીને સ્થાનિક રહીશોએ હવે મનપા કમિશનર સામે મોરચો માંડ્યો છે અને આગામી સાત દિવસમાં કામ શરૂ નહીં થાય તો ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, શીતલાકુંડના વિકાસ માટે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ 50 લાખ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ મંજૂર કરી હતી. આ કામગીરી ફેઝ-1 અને ફેઝ-2 હેઠળ હાથ ધરવાની જાહેરાત ધારાસભ્યની સત્તાવાર પત્રિકામાં પણ કરવામાં આવી હતી. જોકે, વાસ્તવિકતા એ છે કે અત્યાર સુધી માત્ર નકશા અને પ્લાનિંગના બહાના હેઠળ સમય પસાર કરવામાં આવી રહ્યો છે. શિવરાત્રી અને હનુમાન જયંતિ જેવા મોટા તહેવારોમાં હજારો ભાવિકો અહીં ઉમટ્યા હતા, પરંતુ તેમને સાફ-સફાઈ અને બેસવાની વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓ માટે પણ તરડાવું પડ્યું હતું.
આ મુદ્દે આક્રમક વલણ અપનાવતા સ્થાનિક રહીશ મિહિર મહેતાએ જણાવ્યું હતું કે, "અમે અગાઉ 9 માર્ચના રોજ પણ મૌખિક રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર તરફથી માત્ર ઠાલા આશ્વાસનો જ મળ્યા છે. હવે અમે 2 એપ્રિલના રોજ લેખિતમાં અંતિમ ચેતવણી આપી છે. જો સાત દિવસમાં રિનોવેશનની કામગીરી જમીન પર દેખાશે નહીં, તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસ શરૂ કરીશું." રહીશોનું કહેવું છે કે તંત્રની આ અનિચ્છાએ પૌરાણિક વારસાને જોખમમાં મૂક્યો છે.
બીજી તરફ, નારાયણ મેઘજી ઝાલાએ પણ તંત્ર પર પ્રહારો કરતા કહ્યું કે, ધારાસભ્યની ગ્રાન્ટ હોવા છતાં અધિકારીઓ કેમ વિલંબ કરી રહ્યા છે તે સમજની બહાર છે. શ્રાવણ માસની દીપમાળા હોય કે સાતમ-આઠમના તહેવારો, આ સ્થળ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં લાઈટ અને પાણી જેવી પાયાની જરૂરિયાતો પણ પૂરી પાડવામાં આવતી નથી. અધિકારીઓની આ ઉદાસીનતા હવે લોકોની સહનશક્તિની બહાર જઈ રહી છે.
હાલમાં, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને પાઠવેલા આવેદનપત્ર બાદ સમગ્ર શહેરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. વોર્ડ નંબર 10 ના રહીશોએ સ્પષ્ટ કર્યું છે કે જો તંત્ર હવે જાગશે નહીં તો આંદોલન વધુ તેજ બનશે અને તેની સંપૂર્ણ જવાબદારી મ્યુનિસિપલ કમિશનર અને સત્તાધીશોની રહેશે. હવે જોવાનું એ રહે છે કે સાત દિવસના આ અલ્ટીમેટમ બાદ તંત્રના બુલડોઝર શીતલાકુંડના વિકાસ માટે ફરે છે કે પછી જનતાને ઉપવાસ પર બેસવું પડે છે.