સુરેન્દ્રનગરમાં વિકાસનો નવો અધ્યાય: ₹64 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ અને ટાઉન હોલનું ખાતમુહૂર્ત
- નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે વિકાસકામોનો શુભારંભ; શહેરની શોભામાં થશે વધારો
- રંભાબેન ટાઉન હોલને ₹8 કરોડના ખર્ચે મળશે નવું કલેવર; આધુનિક સુવિધાઓથી સજ્જ થશે શહેર
- બસ સ્ટેન્ડથી ગેબનશા પીર સુધીનો 3 કિમીનો વિસ્તાર નયનરમ્ય બનશે; નાગરિકોની સુખાકારીમાં વધારો
સિટી ન્યૂઝ @ સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ તેના આધુનિક અને માળખાગત વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે શહેરના બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ - વઢવાણ ભોગાવો રિવરફ્રન્ટ ફેઝ-3 અને રંભાબેન ટાઉન હોલના નવનિર્માણ કાર્યનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
શહેરની સુખાકારીમાં અભિવૃદ્ધિ કરતા આ પ્રોજેક્ટ્સની વિગત આપતા જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, રિવરફ્રન્ટના પ્રથમ અને બીજા ફેઝની સફળતા બાદ હવે ત્રીજા ફેઝનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ બસ સ્ટેન્ડ પાછળના ભાગથી શરૂ કરી ગેબનશા પીર સુધીના અંદાજે 3 કિલોમીટર લાંબા પટ્ટામાં ફેલાયેલો હશે, જેનો અંદાજિત ખર્ચ ₹56 કરોડ છે. આ રિવરફ્રન્ટ તૈયાર થવાથી નાગરિકોને હરવા-ફરવા માટે એક સુંદર અને સુવિધાજનક નવું સ્થળ પ્રાપ્ત થશે.
વધુમાં, સુરેન્દ્રનગરની સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સમાન રંભાબેન ટાઉન હોલને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવા માટે ₹8 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ નવનિર્મિત ટાઉન હોલ શહેરની શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે એક ઉચ્ચ કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડશે. મકવાણાએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સુરેન્દ્રનગરને સ્માર્ટ બનાવવા અને છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.
ખાતમુહૂર્તના આ અવસરે હાર્દિકભાઈ ટમાલિયા, જયભાઈ શાહ, વિપુલભાઈ ચૌહાણ સહિતના અગ્રણીઓ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા અને રવિકાન્ત પટેલે પણ આ પ્રસંગે હાજર રહી પ્રોજેક્ટની સમયમર્યાદા અને આયોજન અંગે ચર્ચા કરી હતી. શહેરીજનોમાં પણ આ વિકાસકામોને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતા સુરેન્દ્રનગર શહેરની ઓળખ આંતરરાષ્ટ્રીય સ્તરના આધુનિક શહેરો જેવી બનશે.