કોંગ્રેસની નબળી નેતાગીરીથી નારાજ જીજ્ઞેશ રામાવતનું રાજીનામું
સિટી ન્યૂઝ@રાજકોટ : કોંગ્રેસ અગ્રણી જીજ્ઞેશ રામાવતે પક્ષની નબળી નેતાગીરી, સગાવાદ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થયેલી કારમી હારથી નારાજ થઈને તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. અગાઉ AAP માં જોડાયા બાદ 15 વર્ષના લગાવના કારણે તેઓ કોંગ્રેસમાં પરત ફર્યા હતા. પરંતુ અયોગ્ય ટિકિટ વહેંચણી અને નબળા મોવડી મંડળના કારણે પક્ષને વિપક્ષ જેટલી સીટો પણ ન મળતા તેમણે આ હારને પ્રજાનો કોંગ્રેસ વિરુદ્ધનો જનાદેશ ગણાવ્યો છે.
તેમણે પક્ષની કાર્યપ્રણાલી પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસમાં હાલ જાતિવાદ અને 'મારો એ સારો' ની નીતિ ચાલે છે. મેનેજમેન્ટ અને યોગ્ય ઉમેદવારની પસંદગીમાં કોંગ્રેસ હજી 4G કાળમાં જીવે છે. છેલ્લા 30 વર્ષથી સતત હારવા છતાં માત્ર દેખાવ ખાતર મનોમંથન થાય છે. પક્ષ પાસે જીતવાનું કોઈ વિઝન નથી, જ્યારે ભાજપ ઉમદા મેનેજમેન્ટના કારણે જ જીતે છે.
રામાવતે પ્રદેશ અને તમામ જિલ્લા પ્રમુખોના રાજીનામા માંગી નેતૃત્વ યુવાનોને સોંપવા સૂચન કર્યું છે. 15 વર્ષમાં ટંકારા આંદોલન સહિતના જનકાર્યોનો સંતોષ વ્યક્ત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને કોઈ સાથે વ્યક્તિગત મનભેદ નથી, પરંતુ 'કમાન્ડ વગરના હાઈકમાન્ડ' અને પક્ષની નિષ્ફળતાઓથી ત્રસ્ત થઈને તેઓ કોંગ્રેસને અલવિદા કહી રહ્યા છે.