Loading Please Wait !!!
રાજકોટમાં સંકટમોચન આર્ટ એક્ઝિબિશન ભક્તિનો કલાત્મક રંગોત્સવ

  • આધ્યાતમિક સ્પર્શ સાથે કલા : એક વાર અચૂક મૂલાકાત લેવા જેવી

 સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટમાં કલા અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળશે. આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા શહેરની ધર્મપ્રેમી અને કલાપ્રેમી જનતા માટે 1 વિશેષ અને આધ્યાત્મિક 'સંકટમોચન આર્ટ એક્ઝિબિશન' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્સ ખાતે આવેલી શ્રી ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં આગામી 8, 9 અને 10 મે ના રોજ સવારે 9:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી આ પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.આ અનોખા પ્રદર્શનમાં ભગવાન શ્રી હનુમાનજીની ભક્તિભાવ, શક્તિ અને સમર્પણને શહેરના વિવિધ ઉભરતા કલાકારો દ્વારા કલાત્મક સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે. પ્રદર્શનની દરેક કૃતિમાં ભક્તિનો ભાવ, આધ્યાત્મિક ઊર્જા અને ભારતીય સંસ્કૃતિની ઝલક અનુભવી શકાશે. આ પ્રદર્શનમાં કેનવાસ પેઇન્ટિંગ, ઓઇલ પેઇન્ટિંગ, ક્રોશે (Crochet), લિપ્પન આર્ટ, સ્કલ્પચર, સ્કેચ અને પોટ્રેટ સહિતની અનેક સર્જનાત્મક કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે દર્શકોને વૈવિધ્યસભર અને અનોખો કલાનો અનુભવ આપશે.
આ કલા પ્રદર્શનને સફળ બનાવવા અને અદભુત કૃતિઓ તૈયાર કરવા માટે આકૃતિ આર્ટ ગ્રુપના ઉભરતા કલાકારોએ ભારે જહેમત ઉઠાવી છે. જેમાં આરતી બાવીશી, દર્શન સોલંકી, યાજ્ઞિક સોંડાગર, હેતાંશ રાઠોડ, દિનાઝ મીર, દ્રષ્ટિ પરમાર, નિયતી ચાવડા, શુભમ જાવિયા, ધારા ચૌહાણ, અર્થનાસ મીટ, ઈશા કૌચડીયા, જીયા નાગર અને સૈયા ડોબરિયાનો સમાવેશ થાય છે.

કલા અને ભક્તિના સમન્વયથી મળશે આધ્યાત્મિક અનુભવ
આ પ્રદર્શનનો મુખ્ય હેતુ ભક્તિ અને કલાના સમન્વય દ્વારા લોકોને 1 અનોખો આધ્યાત્મિક અનુભવ આપવાનો છે. અહીં દર્શાવવામાં આવનાર કૃતિઓ દર્શકોને ભક્તિના રંગમાં રંગી દેશે અને શ્રી હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધાને વધુ મજબૂત બનાવશે. શહેરના ઉભરતા કલાકારો પોતાની અનોખી કલ્પનાઓ દ્વારા કલા અને ભક્તિનું સુંદર પ્રદર્શન કરવા જઈ રહ્યા છે, ત્યારે રાજકોટની ધર્મપ્રેમી તથા કલાપ્રેમી જનતા માટે આ પ્રદર્શન 1 અચૂક મુલાકાત લેવા જેવો અવસર બની રહેશે.