રાજકોટમાં ગજ્જર સ્પોર્ટ્સ ક્લબની આજે ફાઈનલ મેચ
સિટી ન્યૂઝ@રાજકોટ : ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સુથાર સમાજ માટે આયોજિત 25 મી રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની આજે ધમાકેદાર ફાઇનલ મેચ રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ ખરાખરીનો જંગ અમદાવાદની બ્રધર્સ ઇલેવન અને પોરબંદરની વિશ્વકર્મા ઇલેવન વચ્ચે જામશે.
આજની આ ફાઈનલ મેચમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ વન-ડે અને ટેસ્ટ ક્રિકેટર કરસનભાઈ ઘાવરી તથા અગ્રણી ઉદ્યોગપતિ અમુભાઈ ભારદિયા ખાસ ઉપસ્થિત રહેશે. રાજકોટની આ એકમાત્ર સંસ્થા છે જે સતત 25 વર્ષથી આવી ટુર્નામેન્ટનું આયોજન કરે છે. પ્રખ્યાત આયોજક સ્વ. હર્ષદભાઈ ખંભાયતાની સ્મૃતિમાં સંસ્થાના પ્રમુખ યોગીનભાઈ છનિયારા દ્વારા આ ટુર્નામેન્ટ યોજાય છે.
ગઈકાલે રમાયેલી પહેલી સેમિફાઇનલ મેચમાં બ્રધર્સ ઇલેવન અમદાવાદે એમ.જી. ઇન્ટિરિયર કચ્છને હરાવ્યું હતું. જ્યારે બીજી સેમિફાઇનલમાં વિશ્વકર્મા ઇલેવન પોરબંદરે બોનીટેક ઇલેવન કચ્છને માત આપીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.આજે સાંજે 5 થી 7 બાળકોની મેચ રમાશે અને રાત્રે 8 વાગ્યે મુખ્ય ફાઇનલ મેચ શરૂ થશે. ત્યારબાદ રાત્રે 10 થી 12 દરમિયાન ભવ્ય ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાશે. સંસ્થાની રજત જયંતિ નિમિત્તે 25 વર્ષથી સાથ આપનાર રેસકોર્સ ક્લબના પરેશભાઈ ચગ, વિનુભાઈ પરમાર, દીપકભાઈ સાપરિયા, કેતનભાઇ સાપરિયા સહિતના તમામ મિત્રોનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા યોગીનભાઈ છનીયારા અને અરવિંદભાઈ ગજ્જરની આગેવાનીમાં કારોબારી સમિતિ જહેમત ઉઠાવી રહી છે.