Loading Please Wait !!!
દહેગામના ‘ગઢ’ ને બચાવવા કોંગ્રેસના ધમધમાટ: ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વોર્ડ-3 માં ગજવી જનસભા

 

  • નફરતની રાજનીતિ સામે ભાઈચારાનો નારો; ભાજપના નવા સમીકરણો સામે કોંગ્રેસની વળતી રણનીતિ

  • ૫૨૧૯ મતદારોના મન કળવા અઘરા; મુસ્લિમ, દલિત અને ઠાકોર મતો પર બંને પક્ષોની મીટ

  • વોર્ડ-3 માં ૩ બેઠકો જાળવી રાખવી કોંગ્રેસ માટે પડકાર; ભાજપે પ્રથમ વખત ૩ મુસ્લિમ ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા

     

    ગાંધીનગરની દહેગામ નગરપાલિકાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નંબર ૩ માં પોતાની પકડ જાળવી રાખવા માટે કોંગ્રેસે અમદાવાદના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની એક વિશાળ જનસભાનું આયોજન કર્યું હતું. આ સભામાં ખેડાવાલાએ ભાજપના નવા સામાજિક સમીકરણો પર આકરા પ્રહાર કર્યા હતા.

    નિર્ણાયક મતદારો અને સામાજિક ગણિત વોર્ડ નંબર ૩ માં કુલ ૫૨૧૯ મતદારો નોંધાયેલા છે, જેમાં ૨૦૦૦ મુસ્લિમ મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. આ ઉપરાંત ૧૦૦૦ દલિત અને ૬૦૦ ક્ષત્રિય ઠાકોર મતદારોનું પ્રભુત્વ છે. ભાજપે આ વખતે આશ્ચર્યજનક રીતે ૩ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપીને કોંગ્રેસના મતબેંકમાં ગાબડું પાડવાનો પ્રયાસ કર્યો છે. તેની સામે કોંગ્રેસે ૨ મુસ્લિમ, ૧ ઠાકોર અને ૧ દલિત ઉમેદવારની સંતુલિત પેનલ મેદાનમાં ઉતારી છે.

    ખેડાવાલાના પ્રહાર સભાને સંબોધતા ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, "ભાજપ નફરતની રાજનીતિ કરીને સમાજમાં વિભાજન ઊભું કરી રહી છે, જ્યારે કોંગ્રેસ મહોબ્બત અને ભાઈચારાના મંત્ર સાથે આગળ વધી રહી છે." તેમણે મતદારોને કોઈ પણ ભ્રમમાં આવ્યા વગર કોંગ્રેસની આખી પેનલને વિજયી બનાવવા અપીલ કરી હતી. ગત ચૂંટણીમાં ૪ માંથી ૩ બેઠકો કોંગ્રેસે જીતી હતી, ત્યારે આ વખતે ભાજપનો નવો પ્રયોગ સફળ થાય છે કે કોંગ્રેસ પોતાનો કિલ્લો જાળવી રાખે છે તે જોવું રસપ્રદ રહેશે.