દાહોદમાં લગ્નનું ભોજન બન્યું ‘ઝેર’: કેરીનો રસ અને પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ
-
અભલોડ ગામમાં અફરાતફરી; હોસ્પિટલો ઉભરાઈ, તંત્ર દ્વારા ભોજનના નમૂના લઈ તપાસના આદેશ
-
ઝાડા-ઊલટીના કેસો વધતા ગામમાં જ મેડિકલ કેમ્પ શરૂ; કેટરર્સ સામે કડક કાર્યવાહીના સંકેત
-
108 એમ્બ્યુલન્સની દોડધામ; ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં, નમૂના લેબોરેટરીમાં મોકલાયા
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં એક લગ્નપ્રસંગમાં પીરસાયેલું ભોજન હારમાં અનેક લોકો માટે આફત બનીને આવ્યું છે. સોમવારે સાંજે યોજાયેલા ભોજન સમારંભમાં પનીરનું શાક અને કેરીનો રસ ખાધા બાદ એકસાથે ૪૦૦થી વધુ મહેમાનોને ફૂડ પોઈઝનિંગ થતા સમગ્ર પંથકમાં ભારે ગભરાટ ફેલાયો છે. અસરગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની મદદ લેવી પડી હતી.
હોસ્પિટલો ઉભરાઈ, ગામમાં જ મેડિકલ કેમ્પ જમ્યાના થોડા જ સમયમાં મહેમાનોને ગંભીર અસ્વસ્થતા અને ઝાડા-ઊલટીની ફરિયાદો શરૂ થઈ હતી. જોતજોતામાં દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ કે સ્થાનિક હોસ્પિટલો ઉભરાઈ ગઈ હતી. અંદાજે ૨૦૦ દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરાયા છે, જ્યારે અન્ય ૨૦૦ લોકોને ગામમાં જ તબીબોની વિશેષ ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી.
આરોગ્ય વિભાગની લાલ આંખ ઘટનાની ગંભીરતા જોઈ જિલ્લા આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં કેરીનો રસ અથવા પનીરના શાકમાં ઇન્ફેક્શન હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા ભોજનના નમૂનાઓ એકત્ર કરી પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે ચેતવણી આપી છે કે જો કેટરર્સની બેદરકારી સાબિત થશે, તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.