ભાવનગરમાં લૂંટારુઓનો આતંક: વાડીમાં સૂતા વૃદ્ધાના કાન તોડી ₹93 હજારના સોનાના કાંપની લૂંટ
- રાજપરા ખારા ગામે મોડી રાત્રે ત્રાટક્યા 4 નરાધમો - વૃદ્ધાનું મોઢું દબાવી કાન ચીરી નાખ્યા
- રાત્રે 1:30 વાગ્યે મોઢે રૂમાલ બાંધી આવેલા શખ્સોનો કહેર - ગ્રામીણોમાં ભારે રોષ અને ફફડાટ.
- 7.740 ગ્રામ સોનાના કાપની લૂંટ - ઘોઘા પોલીસે 4 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ તેજ કરી.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રાજપરા ખારા ગામે એક હૃદયદ્રાવક લૂંટની ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં રાત્રિના સમયે શાંતિથી સૂતેલા એક વૃદ્ધ દંપતીને નિશાન બનાવી 4 અજાણ્યા શખ્સોએ વૃદ્ધાના કાન તોડી સોનાના ઘરેણાંની લૂંટ ચલાવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
વહેલી સવારે ત્રાટક્યા 'મોતના સોદાગરો' પ્રાપ્ત વિગતો મુજબ, રાજપરા ખારા ગામના મલાડ વાડી વિસ્તારમાં રહેતા 60 વર્ષીય બાલુબેન અને તેમના પતિ સામતભાઈ દિહોરા ગત રાત્રે જમી-પરવારીને પોતાના ઘરની ખુલ્લી ઓસરીમાં ખાટલા ઢાળીને સૂતા હતા. રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં ચાર શખ્સો મોઢે રૂમાલ બાંધીને વાડીમાં ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓએ અચાનક બાલુબેનનું ગોદડું ખેંચતા તેઓ જાગી ગયા હતા અને દેકારો કર્યો હતો.
કાન ચીરીને આચરી લૂંટ બાલુબેન જાગી જતા એક લૂંટારુએ તેમનું મોઢું દબાવી દીધું હતું, જ્યારે બીજા શખ્સે તેમના કાનમાં પહેરેલા સોનાના બે કાપ આંચક્યા હતા. આંચકો એટલો જોરદાર હતો કે વૃદ્ધાના કાન તોડી નાખી લૂંટારુઓએ અમાનવીય કૃત્ય આચર્યું હતું. આશરે 7.740 ગ્રામ વજનના અને ₹93,500 ની કિંમતના સોનાના ઘરેણાં આંચકી લૂંટારુઓ અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. પત્નીનો દેકારો સાંભળી પતિ સામતભાઈ જાગી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.
પોલીસ તપાસ અને ગુનો દાખલ બનાવની જાણ થતા જ વૃદ્ધ દંપતીનો પરિવાર અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં વૃદ્ધાને સારવાર અપાઈ હતી. બાલુબેને આ અંગે ઘોઘા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 4 અજાણ્યા શખ્સો સામે BNS એક્ટ 309(6) અને 329(3) મુજબ ગુનો નોંધી લૂંટારુઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. વાડી વિસ્તારમાં રહેતા લોકોમાં પોતાની સુરક્ષાને લઈને હવે ચિંતાના વાદળો ઘેરાયા છે.