ભાજપના ગઢ ખાડિયામાં જનતા પાણી-પાણી: ‘નળમાં બે કલાકમાં અડધો કલાક તો ગટરનું દૂષિત પાણી આવે છે’
-
ભાજપના વર્ષો જૂના ગઢ ખાડિયા વોર્ડમાં છેલ્લા પાંચ વર્ષમાં પાણી અને ગટરની સમસ્યા વકરી છે.
-
રહીશોનો આક્ષેપ છે કે સવારે પાણીના સમયે શરૂઆતની 30 મિનિટ સુધી દૂષિત ગટરનું પાણી આવે છે.
-
ટ્રાફિક, બંધ સ્ટ્રીટ લાઈટો અને તૂટેલા રસ્તાઓને કારણે હેરિટેજ વિસ્તારના નાગરિકો પરેશાન છે.
જે વિસ્તારને ભાજપનું ઉદભવ સ્થાન અને જનસંઘનો ગઢ માનવામાં આવે છે, તેવા અમદાવાદના ખાડિયા વોર્ડમાં જનતા આજે પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહી છે. છેલ્લા પાંચ વર્ષની કામગીરીનો હિસાબ લેતા રહીશોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું છે કે, અહીં વિકાસ માત્ર વાતોમાં જ છે. ખાડિયાની અનેક પોળોમાં સવારે જ્યારે પાણી આવે છે ત્યારે શરૂઆતની અડધી કલાક સુધી ગટરનું દૂષિત પાણી નળમાં આવે છે, જેના કારણે રોગચાળાનો ભય ફેલાયો છે.
સ્થાનિક રહીશ મુકેશભાઈ પટેલ અને ચંદ્રિકાબેન જોષીએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, કોર્પોરેટરો માત્ર રાઉન્ડ મારીને જતા રહે છે, પરંતુ પાણીના પ્રેશર કે ગંદકીની સમસ્યા ઉકેલાતી નથી. રાયપુર અને સારંગપુર જેવા વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડા પડી ગયા છે અને પથ્થરો ઉખડી ગયા હોવાથી વૃદ્ધોના પગ મચકોડાઈ જવાની ઘટનાઓ રોજિંદી બની છે. છ મહિનાથી કરેલી અરજીઓ છતાં ગટરની કેચપીટ રિપેર કરવામાં આવતી નથી.
બીજી તરફ, ખાડિયામાં ટ્રાફિકની સમસ્યા ‘કેન્સર’ સમાન બની ગઈ છે. માણેકચોક, સાંકડી શેરી અને લાખા પટેલની પોળ પાસે આડેધડ પાર્કિંગને કારણે સ્થાનિકોને પોતાના વાહનો કાઢવા પણ મુશ્કેલ બને છે. રહીશોનો આરોપ છે કે પે એન્ડ પાર્ક હોવા છતાં લોકો રોડ પર જ વાહનો ખડકી દે છે અને પોલીસ કે કોર્પોરેશન માત્ર એક-બે દિવસ કાર્યવાહી કરીને સંતોષ માની લે છે. આ સિવાય, સ્ટ્રીટ લાઈટો બંધ રહેતી હોવાથી રાત્રે મોબાઈલની લાઈટ ચાલુ કરીને ચાલવું પડે તેવી સ્થિતિ છે.
જોકે, ભાજપના પૂર્વ કોર્પોરેટર પંકજ પટેલે બચાવ કરતા જણાવ્યું કે, વિસ્તારમાં 44 કરોડના ખર્ચે નવી ડ્રેનેજ અને પાણીની લાઈનો નાખવાનું કામ ચાલુ છે. નવી રેફરલ હોસ્પિટલ અને પાણીની ટાંકી પણ બનાવવામાં આવી છે, જેનાથી આગામી દિવસોમાં સમસ્યાઓ દૂર થશે. પરંતુ સવાલ એ થાય છે કે શું આ કામો આગામી ચૂંટણી પહેલા પૂરા થશે? હેરિટેજ વિસ્તારની આ દુર્દશાએ શાસક પક્ષના ‘સ્માર્ટ સિટી’ ના દાવાઓ સામે અનેક પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કર્યા છે.