Loading Please Wait !!!
જૂનાગઢ પટેલ કેળવણી મંડળમાં ભડકો: "કાંતિ ફળદુ ગુંડાઓની ગેંગ બનાવો, ટ્રસ્ટીમાં ન ચાલો", વાલીઓનો હલ્લાબોલ

  • સંસ્થા બચાવો-સમાજ બચાવોના બેનર સાથે ઉપવાસ આંદોલન - દીકરીઓની સુરક્ષા અને ભ્રષ્ટાચાર મુદ્દે ગંભીર આક્ષેપ.
  • 2000 દીકરીઓની સંખ્યા ઘટીને 600 થઈ - મોતીબાગની નામાંકિત સંસ્થામાં વહીવટી ખાડે ગઈ હોવાનો આક્ષેપ.
  • ઓફિસમાં બોલાવી વાલીઓને અપાઈ ગાળો? - કરોડોના કૌભાંડ અને અણધડ વહીવટના આક્ષેપોથી ખળભળાટ.

જૂનાગઢના મોતીબાગ વિસ્તારમાં આવેલી પાટીદાર સમાજની ગૌરવ સમાન 'પટેલ કેળવણી મંડળ' અત્યારે આંતરિક વિખવાદ અને ટ્રસ્ટીઓના વર્તનને કારણે વિવાદોના વમળમાં ફસાઈ છે. સંસ્થાના ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે મોટી સંખ્યામાં વાલીઓએ "સમાજ બચાવો-સંસ્થા બચાવો" ના બેનરો સાથે ઉપવાસ આંદોલન છેડ્યું છે. વાલીઓનો સીધો આક્ષેપ છે કે શૈક્ષણિક ગરિમા જાળવવાને બદલે ટ્રસ્ટીઓ ગુંડાતત્વો જેવો વહીવટ કરી રહ્યા છે.

શું છે સમગ્ર વિવાદ? આ વિવાદની જડમાં કેમ્પસની સુરક્ષા રહેલી છે. થોડા દિવસો પહેલા કેમ્પસમાં એક અજાણ્યો યુવક ઘૂસી આવતા જાગૃત વાલીઓએ તેને પકડી પોલીસને સોંપ્યો હતો. આરોપ છે કે, આ વાતથી લાલચોળ થયેલા ટ્રસ્ટી કાંતિ ફળદુએ વાલીઓને ઓફિસમાં બોલાવી અભદ્ર ભાષામાં ગાળાગાળી કરી હતી. વાલીઓના જણાવ્યા મુજબ કાંતિભાઈએ ધમકાવતા કહ્યું કે, "પોલીસ પાસે જવાની જરૂર નહોતી અને આ સંસ્થા સમાજની નહીં પણ ટ્રસ્ટીઓની છે." આ નિવેદને પાટીદાર સમાજ અને વાલીઓમાં ભારે આક્રોશ જન્માવ્યો છે.

મોલા પટેલના શાસન સાથે તુલના આંદોલનકારી વાલીઓએ ભૂતકાળના સુવર્ણકાળને યાદ કરતા જણાવ્યું કે, એક સમયે મોલા પટેલના શાસનમાં 2000 જેટલી દીકરીઓ સંપૂર્ણ સુરક્ષિત રીતે ભણતી હતી, જ્યાં એક ચકલું પણ પરવાનગી વગર નહોતું ફરકી શકતું. આજે સ્થિતિ એવી છે કે સુરક્ષાના નામે મીંડું છે અને દીકરીઓની સંખ્યા ઘટીને માત્ર 600 રહી ગઈ છે. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે કે.સી. વૈષ્નાણી જેવા બાહોશ કેમ્પસ ડાયરેક્ટર એકલા હાથે જે સંચાલન કરતા હતા, તેની સામે અત્યારે માનીતા લોકોને બમણા પગાર આપીને સંસ્થાની તિજોરી લૂંટવામાં આવી રહી છે.

સંસ્થામાં સત્તાવાર ખાલીપો આ વિવાદની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સંસ્થાના પ્રમુખ સવજીભાઈ મેનપરા અને જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી રતિભાઈ મારડિયાએ સત્તાના આ ખેલથી કંટાળીને રાજીનામાં ધરી દીધા છે. અત્યારે સંસ્થામાં ગણતરીના ટ્રસ્ટીઓ જ બાકી રહ્યા છે. વાલીઓની સ્પષ્ટ માંગ છે કે કાંતિ ફળદુ જેવા તત્વોને સંસ્થામાંથી તાત્કાલિક બહાર કરવામાં આવે અને સમાજના નિષ્ઠાવાન આગેવાનોને વહીવટ સોંપવામાં આવે.