ગુજરાત યુનિવર્સિટીમાં રૂ. 30 કરોડનું 'બાંધકામ કૌભાંડ'? સિન્ડિકેટ બેઠકમાં ભારે હોબાળો, બિલ નામંજૂર!
- કુલપતિ અને રજિસ્ટ્રાર પાસે લેખિતમાં ખુલાસો માગ્યો – ટેન્ડર કરતા ₹34 કરોડનો વધારાનો ખર્ચ ક્યાં ગયો?
- ટેન્ડર વિના જ અપાયા કામ – છેલ્લા 3 વર્ષના હિસાબોમાં કરોડોની ગેરરીતિની આશંકાએ શિક્ષણ જગત સ્તબ્ધ
- ₹2.25 લાખના પગારદાર અધિકારીઓની ભરતી અને FD ના વપરાશ પર સવાલ – ગિફ્ટ પાછળના ખર્ચનો પણ માંગ્યો હિસાબ
રાજ્યની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગણાતી ગુજરાત યુનિવર્સિટી અત્યારે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોને કારણે વિવાદના વમળમાં ફસાઈ છે. બે દિવસ પૂર્વે યોજાયેલી સિન્ડિકેટની બેઠક અત્યંત તોફાની રહી હતી, જેમાં સભ્યોએ યુનિવર્સિટીના વહીવટમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. ખાસ કરીને બાંધકામ સમિતિ દ્વારા ટેન્ડરની નિર્ધારિત રકમ કરતા ₹34 કરોડનો વધારાનો ખર્ચ મંજૂર કરવા માટે મૂકાયેલા પ્રસ્તાવનો સભ્યોએ ઉગ્ર વિરોધ કરીને બિલ નામંજૂર કર્યા છે. આ મામલે હવે કુલપતિ નીરજા ગુપ્તા અને રજિસ્ટ્રાર પિયુષ પટેલની મુશ્કેલીઓ વધી શકે છે.
સિન્ડિકેટ સભ્યોનો મુખ્ય આક્ષેપ 'ઓક્ટ્રસ' નામની કન્સલ્ટન્ટ કંપની અને તેના માલિક સમીર શુક્લા સામે છે. આરોપ છે કે સમીર શુક્લાની કંપનીએ બાંધકામના જે કામના ભાવ આપ્યા હતા, કામ પૂર્ણ થયા બાદ તેમાં ₹34 કરોડનો વધારો બતાવવામાં આવ્યો છે. વર્ષ 2022માં પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યાના કાર્યકાળમાં આ કંપનીએ કામ કરવાની ના પાડી હોવા છતાં, કોઈ પણ પ્રકારના નવા ટેન્ડર વિના આજ કંપનીને કામ સોંપવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા 'એક્સ્ટ્રા એક્સેસ' ખર્ચની તપાસ કરવામાં આવે તો આ આંકડો કરોડોમાં પહોંચે તેવી આશંકા છે.
ભ્રષ્ટાચારના આક્ષેપો માત્ર બાંધકામ સુધી સીમિત નથી. સિન્ડિકેટ સભ્યોએ યુનિવર્સિટીની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના વપરાશ અંગે પણ સવાલ ઉઠાવ્યા છે. કોની મંજૂરીથી આ FD વાપરવામાં આવી તેની વિગતો માંગવામાં આવી છે. આ ઉપરાંત, છેલ્લા બે વર્ષમાં યુનિવર્સિટી દ્વારા કોને અને કેટલી મોંઘી ગિફ્ટ આપવામાં આવી અને તેની પાછળ કેટલો ખર્ચ થયો, તેની પણ તપાસની માંગ કરવામાં આવી છે. કેટલાક અધિકારીઓને બહારથી લાવીને સીધા ₹1.50 લાખ થી ₹2.25 લાખ સુધીના માસિક પગાર પર બેસાડી દેવાની પ્રક્રિયાને પણ સભ્યોએ શંકાસ્પદ ગણાવી છે.
આ ગંભીર મામલો હવે રાજ્યના શિક્ષણ વિભાગ અને સરકાર સુધી પહોંચ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સિન્ડિકેટ સભ્યોએ કુલપતિ અને રજિસ્ટ્રાર પાસે લેખિતમાં ખુલાસો માંગ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં યુનિવર્સિટીમાં મોટા ફેરફારો અથવા તપાસના આદેશો થવાની પૂરેપૂરી સંભાવના છે. રાજકોટ સહિત સમગ્ર રાજ્યના શિક્ષણ જગતમાં આ કથિત કૌભાંડની ચર્ચાએ જોર પકડ્યું છે.