ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવ સામે ભ્રષ્ટાચારનો આરોપ: કન્વેન્શન સેન્ટરના નામે આર્થિક ગેરરીતિનો પર્દાફાશ
- NSUI અને પૂર્વ પ્રોફેસરોએ સત્તાના દુરુપયોગનો દાવો કર્યો; ભાડાની રકમ બારોબાર વસૂલાતી હોવાની ચર્ચા
- 30 કરોડના સમારકામ ખર્ચ સામે પણ સવાલો; એક વર્ષના હિસાબોનું સ્પેશિયલ ઓડિટ કરવાની માંગ
- એસ્ટેટ વિભાગ લાચાર: અધિકારીએ કહ્યું, "ભાડું કેટલું છે તે તો માત્ર કુલસચિવ સાહેબ જ નક્કી કરે છે"
ગુજરાત યુનિવર્સિટીના વહીવટી તંત્રમાં ફરી એકવાર ભ્રષ્ટાચારનો ગંધ ફેલાયો છે. યુનિવર્સિટીના કુલસચિવ પિયુષ પટેલ દ્વારા કન્વેન્શન સેન્ટરના સંચાલનમાં સત્તાનો દુરુપયોગ કરી આર્થિક ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો NSUI અને પૂર્વ પ્રોફેસરો દ્વારા કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે એસ્ટેટ વિભાગ હસ્તક રહેતો આ વહીવટ કુલસચિવે પોતાની પાસે રાખીને પારદર્શિતાના ધજાગરા ઉડાડ્યા હોવાનું સામે આવ્યું છે.
NSUI ના નેતા વિક્રમસિંહ ગોહિલના જણાવ્યા મુજબ, કન્વેન્શન સેન્ટરના બુકિંગ માટે કોઈ ચોક્કસ ભાડું નક્કી કરવામાં આવ્યું નથી. ભાડાની કેટલીક રકમ આરટીજીએસ (RTGS) દ્વારા યુનિવર્સિટીના ખાતામાં જમા થાય છે, જ્યારે અન્ય રકમ કુલસચિવ પોતે રોકડમાં સ્વીકારતા હોવાનો ગંભીર દાવો કરવામાં આવ્યો છે. આ આક્ષેપોને બળ ત્યારે મળ્યું જ્યારે એસ્ટેટ વિભાગના અધિકારી શૈલેષ ગોસ્વામીએ સ્વીકાર્યું કે, કન્વેન્શન સેન્ટરનું ભાડું કેટલું છે તેની તેમને જાણ હોતી નથી અને તે માત્ર કુલસચિવ જ નક્કી કરે છે.
ભ્રષ્ટાચારના આક્ષેપો માત્ર ભાડા પૂરતા સીમિત નથી. પૂર્વ પ્રોફેસરોએ આક્ષેપ કર્યો છે કે, કુલસચિવ જેવો મહત્વનો હોદ્દો ધરાવવા છતાં, પિયુષ પટેલ કન્વેન્શન સેન્ટરના વધારાના હવાલા પેટે અલગથી મહેનતાણું અને ચાર્જ એલાઉન્સ મેળવે છે. તાજેતરમાં યુનિવર્સિટીએ આ સેન્ટરના સમારકામ માટે 30 કરોડનો તોતિંગ ખર્ચ કર્યો છે, જેમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા સેવાઈ રહી છે.
NSUI દ્વારા આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને સ્પેશિયલ ઓડિટની માંગ કરવામાં આવી છે. હાલમાં એસ્ટેટ વિભાગે ચૂંટણીની કામગીરીનું બહાનું ધરીને વિગતો આપવાનો ઇનકાર કર્યો છે, જેને પગલે શંકા વધુ પ્રબળ બની છે. યુનિવર્સિટીમાં પારદર્શિતા લાવવા માટે સંચાલન ફરીથી એસ્ટેટ વિભાગને સોંપવાની અને છેલ્લા એક વર્ષના તમામ બુકિંગની યાદી જાહેર કરવાની માંગણી ઉઠી છે.