ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદનું ભોંયરું ખૂલતાં જ વિવાદનો ભડકો: જૈન સંગઠનોનો મૂર્તિઓ મળી હોવાનો દાવો
- 700 વર્ષથી બંધ ભોંયરાનો વીડિયો વાયરલ થતાં ચકચાર, મુસ્લિમ પક્ષ ન્યાય માટે હાઈકોર્ટના શરણે ગયો
- સમરી વિહાર' ની તટસ્થ વૈજ્ઞાનિક તપાસ થાય તો ચોંકાવનારા પુરાવા બહાર આવવાની સંભાવના
- પ્રતિબંધિત સંકુલમાં ગેરકાયદે બાંધકામ અને વજુખાના મુદ્દે સંતોએ અધિકારીઓ સામે મોરચો માંડ્યો
સિટી ન્યુઝ @ ભરૂચ: ભરૂચની રાષ્ટ્રીય ધરોહર ગણાતી ઐતિહાસિક જુમ્મા (જામા) મસ્જિદના વર્ષોથી બંધ ભોંયરાનો દરવાજો પુરાતત્વ વિભાગે ખોલતા જ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ભારે ગરમાવો આવી ગયો છે. જૈન સંગઠનો અને અગ્રણીઓનો દાવો છે કે અંદાજે 700 વર્ષથી બંધ આ ભોંયરામાંથી 19મા જૈન તીર્થંકર ભગવાન મલ્લિનાથ અને અન્ય જૈન દેવી-દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ તથા અવશેષો મળી આવ્યા છે. છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલો આ ગંભીર વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જેના વિરોધ અને સમર્થનમાં આગામી 15 જૂનના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી હજારોની સંખ્યામાં જૈન ભક્તો, હિન્દુ સંગઠનો અને સંતો-મહંતો ભરૂચમાં એકઠા થવાના છે, જેને પગલે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.
તાજેતરમાં પુરાતત્વ વિભાગ દ્વારા નિયમિત સફાઈ કામગીરી માટે મસ્જિદના વર્ષોથી બંધ ભોંયતળિયાનો દરવાજો ખોલવામાં આવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર વિવાદે નવો વળાંક લીધો છે. બીજી તરફ, મસ્જિદના મૌલાનાએ આ તમામ દાવાઓને નકારી કાઢતાં જણાવ્યું છે કે, આ સરકારી ગેજેટ અને વકફ બોર્ડના રેકોર્ડ પર નોંધાયેલી સત્તાવાર મસ્જિદ છે. ટ્રસ્ટીઓની જાણ બહાર ભોંયરું ખોલીને ખોટો વિવાદ ઊભો કરાતો હોવાનો આક્ષેપ કરીને મુસ્લિમ પક્ષે કાનૂની ન્યાય મેળવવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. શંકરાચાર્ય મઠના વ્યવસ્થાપક મુક્તાનંદ સ્વામીના જણાવ્યા અનુસાર, શ્રીલંકાના રાજાની પુત્રી સુદર્શનાએ પૂર્વભવની સ્મૃતિમાં આ ભવ્ય 'સમરી વિહાર'નું નિર્માણ કરાવ્યું હતું. મસ્જિદના પિલ્લરો અને દીવાલો પરની કલાત્મક કોતરણી પણ ભારતીય સંસ્કૃતિ અને જૈન મંદિરોની સ્થાપત્ય શૈલીને સમાન હોવાનું કહેવાય છે. જો આ સ્થળની તટસ્થ વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે, તો આ સ્થળ જૈન મંદિર હોવાના અત્યંત ચોંકાવનારા પુરાવાઓ બહાર આવી શકે તેમ છે.
આ ઐતિહાસિક સ્મારકની જાળવણી કરવામાં પુરાતત્વ વિભાગ સદંતર નિષ્ફળ નીવડ્યો હોવાના આક્ષેપો સંતો દ્વારા કરાયા છે. પુરાતત્વ વિભાગના સ્થાનિક અધિકારી રાહુલ પરમાર સામે પણ સવાલો ઉઠ્યા છે કે સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને આ સંકુલમાં વીજ મીટર કોના નામે લેવાયું અને ગેરકાયદેસર કબ્રસ્તાન કેવી રીતે ઊભું થઈ ગયું? આ તમામ મુદ્દાઓને લઈને આગામી 15 જૂને ભરૂચમાં એક વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5 થી 7 હજાર જેટલા શ્રદ્ધાળુઓ જોડાશે અને કલેક્ટરને આવેદનપત્ર આપીને આ સ્થળને સત્તાવાર રીતે 'જૈન સમરી વિહાર' તરીકે જાહેર કરવાની માંગણી કરશે.