Loading Please Wait !!!
રાજકોટમાં પાણીની પાઈપલાઈનમાં ‘ઝેર’: મનપાના માર્ચ મહિનાના રિપોર્ટમાં 7 સ્થળે બેક્ટેરિયા મળ્યા, શહેરીજનોના સ્વાસ્થ્ય સામે ખતરો

 

  • વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં પાણીના નમૂના ફેલ; આકરી ગરમી વચ્ચે દૂષિત પાણીથી રોગચાળો વકરવાની ભીતિ

  •  ચૂંટણીના માહોલ વચ્ચે પીવાના પાણીમાં ગંદકી; પાઈપલાઈનમાં લીકેજ કે ક્લોરિનેશનનો અભાવ?

  •  વોટર મેનેજમેન્ટ યુનિટના ચોંકાવનારા આંકડા- વેસ્ટ ઝોનમાં સ્થિતિ વધુ ગંભીર; રિ-સેમ્પલિંગની કામગીરી શરૂ

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં શુદ્ધ પાણી વિતરણના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ માર્ચ મહિનાના સરકારી આંકડાઓએ તંત્રની પોલ ખોલી દીધી છે. મનપાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા લેવાયેલા 8901 નમૂનાઓ પૈકી વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનના કુલ 7 સ્થળોએ પીવાના પાણીમાં હાનિકારક બેક્ટેરિયા મળી આવ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આ અહેવાલથી શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

    ઝોન વાઈઝ ચોંકાવનારા આંકડા માર્ચ મહિના દરમિયાન લેવાયેલા 295 બેક્ટેરિયોલોજીકલ નમૂનાઓમાંથી વેસ્ટ ઝોનના 149 માંથી 5 નમૂના અને સેન્ટ્રલ ઝોનના 75 માંથી 2 નમૂના ફેલ ગયા છે. નિષ્ણાતોના મતે, પાઈપલાઈનમાં લીકેજ અથવા અપૂરતા ક્લોરિનેશનને કારણે પાણીમાં પ્રદૂષણ ભળે છે. ખાસ કરીને વેસ્ટ ઝોનમાં બેક્ટેરિયાની હાજરી વધુ જોવા મળી છે, જે ગંભીર સ્વાસ્થ્ય કટોકટી સર્જી શકે છે.

    તંત્રની કામગીરી અને લોકોનો આક્રોશ દૂષિત પાણીના રિપોર્ટ બાદ વોટર વર્ક્સ વિભાગ હરકતમાં આવ્યો છે અને જે વિસ્તારોમાં નમૂના ફેલ ગયા છે ત્યાં પાઈપલાઈન ચેક કરવાની કામગીરી શરૂ કરી છે. જોકે, સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ફિલ્ટર પ્લાન્ટની યોગ્ય સફાઈ થતી નથી અને વારંવાર ગંદા પાણીની ફરિયાદો કરવા છતાં કોઈ કાયમી નિકાલ આવતો નથી. બીજી તરફ, આચારસંહિતાના કારણે સાપ્તાહિક રોગચાળાના આંકડા જાહેર કરવાનું બંધ કરાતા તંત્રની પારદર્શિતા સામે પણ સવાલો ઉઠ્યા છે.