ચૂંટણી પહેલા ભાવનગરમાં રાજકીય ધરતીકંપ: કોંગ્રેસે ભાજપના 31 વર્ષના શાસન સામે 'ભાજપાપ' ચાર્જશીટ રજૂ કરી!
- સિદસર જમીન કૌભાંડ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો - ઋત્વિક મકવાણાએ ભાજપ અને ચૂંટણી પંચની 'મિલીભગત' પર કર્યા પ્રહાર
- બિલ્ડરોને સસ્તી જમીન અને સરકારી આવાસમાં કરોડોનું કૌભાંડ - 'ટીમ કોંગ્રેસ' હવે દરેક વોર્ડમાં જઈ જનતાની અદાલત લગાવશે
- બોરતળાવ દબાણ અને ફ્લાયઓવરના વિલંબ મુદ્દે શાસકો ઘેરાયા - રાજવી પરિવારના સુશાસનનો હવાલો આપી પરિવર્તનનું આહ્વાન
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે ત્યારે ભાવનગરમાં કોંગ્રેસે આક્રમક તેવર બતાવ્યા છે. છેલ્લા ત્રણ દાયકાથી ભાવનગર મહાનગરપાલિકા પર કબજો જમાવી બેઠેલી ભાજપ સરકાર સામે કોંગ્રેસે 'ભાજપાપ' નામનું શસ્ત્ર ઉગામ્યું છે. આ ચાર્જશીટમાં ભ્રષ્ટાચાર, જમીન કૌભાંડ અને ભેદભાવના ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે.
અબજોના જમીન કૌભાંડનો દાવો કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણાએ પત્રકાર પરિષદમાં ચોંકાવનારા આંકડા રજૂ કરતા જણાવ્યું કે, સિદસર વિસ્તારમાં મળતિયા બિલ્ડરોને કિંમતી જમીન પાણીના ભાવે પધરાવી દેવાઈ છે, જ્યારે જનતાના આવાસો માટે ઉંચી કિંમત વસૂલવામાં આવી છે. આમાં પ્રતિ ચોરસ મીટર ₹30,000 નું માર્જિન રાખી અબજો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવાયો છે.
ગંદકી અને ટ્રાફિકની સમસ્યાથી જનતા ત્રસ્ત ચાર્જશીટમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે 1995 થી ભાજપ સત્તામાં હોવા છતાં ભાવનગરને માત્ર ગંદકી, રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા જ મળી છે. ફ્લાયઓવરના કામો જાણીજોઈને લંબાવી ટેન્ડરની રકમ વધારી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. નાના કાર્યકરોને આર્થિક ફાયદો કરાવવા વારંવાર સારા રસ્તા તોડી પેવર બ્લોક નાખવામાં આવતા હોવાની પણ ટીકા કરાઈ છે.
ચૂંટણી પંચ પર પણ નિશાન કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં, ચૂંટણી પંચ ભાજપની અનુકૂળતા મુજબ જાહેરાત કરવામાં વિલંબ કરી રહ્યું છે. જોકે, કોંગ્રેસે દાવો કર્યો છે કે તેઓ હવે મેદાનમાં છે અને ભાવનગરના પ્રજાવત્સલ રાજવી પરિવાર જેવું પારદર્શક શાસન લાવવા માટે કટિબદ્ધ છે.