Loading Please Wait !!!
રાજકોટમાં કોંગ્રેસનો અનોખો વિરોધ: ગેસના બાટલા ન મળતા ચૂંટણી કાર્યાલયમાં 'દેશી ચૂલા' સળગ્યા

  • ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર કે કાળાબજારી? બમણા ભાવ આપવા છતાં સિલિન્ડર ન મળતા હોવાની ફરિયાદ
  • બહેનોની વેદના સાંભળી ઉમેદવારોએ દેશી ચૂલો બનાવ્યો, ભાજપ સરકાર સામે આકરા પ્રહારો
  • રણજિત મુંધવા અને મેહુલ મકવાણાએ ચૂલા પર રસોઈ બનાવી મોંઘવારીનો અસલી ચહેરો બતાવ્યો

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની આડઅસરો હવે સ્થાનિક રાજકારણમાં પણ વર્તાઈ રહી છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 8 માં કોંગ્રેસના ઉમેદવારોએ ગેસ સિલિન્ડરની ભારે અછત અને કાળાબજારીના વિરોધમાં એક અનોખો પ્રયોગ શરૂ કર્યો છે. અહીં મધ્યસ્થ કાર્યાલય ખાતે ગેસ સ્ટવના બદલે દેશી ચૂલા પર રસોઈ અને ચા-પાણી બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસનો દાવો છે કે પ્રચાર દરમિયાન લોકો, ખાસ કરીને ગૃહિણીઓ તરફથી ગેસ મળતો ન હોવાની અને કાળાબજારીની વ્યાપક ફરિયાદો મળી રહી છે.

કોંગ્રેસના ઉમેદવાર રણજિત મુંધવાએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી ડોર-ટુ-ડોર પ્રચાર દરમિયાન બહેનોએ પોતાની વેદના ઠાલવી છે. લોકોનું કહેવું છે કે ગેસના બાટલા મળતા નથી અને જો કોઈ આપે તો તેના માટે બમણા ભાવ વસૂલવામાં આવે છે. ભાજપ સરકારે હંમેશા પ્રજાને લાઈનમાં ઊભા રાખવાનું જ કામ કર્યું છે. નોટબંધી હોય કે પેટ્રોલ-ડીઝલના ભાવ, સામાન્ય માણસ હંમેશા પીસાય છે. જનતાની આ તકલીફને વાંચા આપવા અમે અમારા કાર્યાલયમાં દેશી ચૂલા પર રસોઈ બનાવવાનો નિર્ણય લીધો છે.

અન્ય ઉમેદવાર મેહુલ મકવાણાએ ભાજપના નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું કે, ભૂતકાળમાં જ્યારે ગેસના નજીવા ભાવ વધતા ત્યારે ભાજપના નેતાઓ રસ્તા પર ઉતરી આવતા હતા. પરંતુ આજે જ્યારે ગેસ સિલિન્ડર બજારમાંથી ગાયબ છે અને લોકો કાળાબજારીનો શિકાર બની રહ્યા છે, ત્યારે આ નેતાઓ ક્યાંય દેખાતા નથી. કોંગ્રેસ હંમેશા લોકોની પડખે રહી છે અને આ વખતે જનતા પરિવર્તન લાવીને કોંગ્રેસની સરકાર બનાવશે તેવો અમને વિશ્વાસ છે.

વોર્ડ નંબર 8 ના કાર્યાલયમાં કાર્યકર્તાઓ અને સમર્થકો માટે તૈયાર થતી રસોઈ હવે લાકડા સળગાવીને દેશી ચૂલા પર બનાવવામાં આવે છે. કોંગ્રેસના આગેવાનોનું માનવું છે કે આ દ્રશ્ય જોઈને મતદારોને મોંઘવારીની અસલી સ્થિતિ સમજાય છે. આ અનોખા પ્રચારથી રાજકીય ગરમાવો વધી ગયો છે અને સોશિયલ મીડિયા પર પણ ચૂલા પર બનતી રસોઈના વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

26 એપ્રિલે યોજાનાર મતદાન પહેલા કોંગ્રેસે મોંઘવારી અને પાયાની જરૂરિયાતોને મુખ્ય હથિયાર બનાવ્યું છે. ઉમેદવારો લોકોને અપીલ કરી રહ્યા છે કે આ સરકારને મતાધિકારથી જાકારો આપીને કોંગ્રેસને વિજયી બનાવે, જેથી સામાન્ય માણસના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પ્રચારમાં આ 'દેશી ચૂલો' કોંગ્રેસ માટે કેટલો ફળદાયી સાબિત થાય છે.