Loading Please Wait !!!
કોંગ્રેસમાં 'રેસના ઘોડા' શોધવા મુશ્કેલ: CMના ગઢમાં જ દાવેદારોનો દુકાળ, ઘાટલોડિયાના 4 વોર્ડમાં માત્ર 24 મુરતિયા!

  • માંગે તેને ટિકિટ મળે તેવી હાલત - અમદાવાદમાં દર ત્રીજા દાવેદારને મેદાને ઉતારવા કોંગ્રેસ મજબૂર
  • ભાજપમાં રાફડો ફાટ્યો અને કોંગ્રેસમાં ફાંફા - સુરત સિવાય રાજકોટ અને વડોદરામાં પણ દાવેદારોની અછત
  • 7 ઝોનમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ, પણ અનેક વોર્ડમાં ગણ્યા-ગાંઠ્યા લોકોએ જ દર્શાવી ચૂંટણી લડવાની ઈચ્છા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે, પરંતુ અમદાવાદમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસની હાલત દયાજનક જોવા મળી રહી છે. એક તરફ ભાજપમાં ટિકિટ મેળવવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે અને નિરીક્ષકોને સાંભળવામાં પણ પરસેવો છૂટી રહ્યો છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં સ્થિતિ સાવ ઉલટી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મતવિસ્તાર ઘાટલોડિયા હેઠળ આવતા 4 વોર્ડમાં તો કોંગ્રેસને માંડ 24 દાવેદારો મળ્યા છે, એટલે કે જેણે પણ ઈચ્છા વ્યક્ત કરી છે તેમાંથી લગભગ બધાને ટિકિટ આપવી પડશે.

સંગઠન ના બરાબર, અસ્તિત્વનો સવાલ અમદાવાદ મહાનગરપાલિકામાં છેલ્લા 20 વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન છે. 2015માં પાટીદાર આંદોલન વખતે કોંગ્રેસે 48 બેઠકો મેળવી હતી, પરંતુ 2021માં તે ઘટીને 25 થઈ ગઈ હતી. આ વખતે તો હાલત એવી છે કે 192 બેઠકો માટે માત્ર 602 કાર્યકરોએ જ રસ દાખવ્યો છે. રાહુલ ગાંધીએ 'રેસના ઘોડા' પસંદ કરવા સૂચના આપી હતી, પરંતુ અમદાવાદમાં તો રેસના ઘોડા શોધવામાં જ ફાંફા પડી રહ્યા છે. ગોતા, ચાંદલોડિયા અને થલતેજ જેવા વિસ્તારોમાં કોઈ લડવા તૈયાર નથી.

રાજકોટ અને અન્ય શહેરોની સ્થિતિ માત્ર અમદાવાદ જ નહીં, રાજકોટ અને વડોદરામાં પણ કોંગ્રેસને બેઠક દીઠ માંડ 4 થી 5 દાવેદારો મળ્યા છે. સુરતમાં સ્થિતિ થોડી સારી છે, પરંતુ બાકીની 5 જૂની મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસ માટે સત્તા મેળવવી તો દૂર, મજબૂત વિપક્ષ તરીકે ટકી રહેવું પણ પડકારજનક છે. 26 એપ્રિલે મતદાન યોજાવાનું છે અને 11 એપ્રિલ સુધીમાં ફોર્મ ભરવાના છે, ત્યારે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ કયા જોરે ભાજપના વિજય રથને રોકશે. રાજકોટના કોંગ્રેસી કાર્યકરોમાં પણ આ આંકડાઓ જોઈને ચિંતા વ્યાપી છે.