Loading Please Wait !!!
ભાજપ સરકાર સામે કોંગ્રેસનું રણશિંગુ: અમદાવાદથી ગાંધીનગર 1111 ટ્રેક્ટરોની મહારેલી

  • મોરબી લાઠીચાર્જ સામે કોંગ્રેસનો આક્રોશ, અમિત ચાવડા અને જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં ગાંધીનગર કૂચ
  • "હિટલરે પણ આવું દમન નહોતું કર્યું", સાંસદ ગેનીબેને ઉદ્યોગપતિઓની તરફેણ કરતી સરકારની ઝાટકણી કાઢી
  • કંપનીઓ માટે ખેડૂતો પર અત્યાચાર બંધ કરો, કોંગ્રેસે છેડ્યું 'ખેડૂત અધિકાર' આંદોલન

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે વિરોધ નોંધાવવા 15 જૂને અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી એક વિશાળ ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી યોજાઈ રહી છે. કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના સંયુક્ત નેજા હેઠળ આયોજિત આ રેલીમાં 1111 ટ્રેક્ટરો સાથે રાજ્યભરમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા છે. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર જગતના તાતને વારંવાર લાત મારી રહી છે અને પોલીસ તેમજ અધિકારીઓ બળજબરીથી ખેડૂતોના ખેતરોમાં ખાનગી કંપનીઓની લાઈનો નખાવી રહ્યા છે.

ટ્રેક્ટર રેલી દરમિયાન કોંગ્રેસ સાંસદ ગેનીબહેન ઠાકોરે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે સમગ્ર ગુજરાતનો ખેડૂત આજે રોડ ઉપર આવી ગયો છે અને હિટલરે પણ આટલી હદે દમન નહોતું કર્યું જેટલું આજે જગતના તાત પર થઈ રહ્યું છે. મોરબીમાં મહિલાઓ પર થયેલા લાઠીચાર્જનો વિરોધ કરતા તેમણે કહ્યું કે ખેડૂતોની આ હાય ખાલી નહીં જાય અને જો સરકાર માંગણીઓ નહીં સ્વીકારે તો કોંગ્રેસ જલદ આંદોલન કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ખેડૂતોના નુકસાનના ભોગે ઉદ્યોગપતિઓનો વિકાસ અમને મંજૂર નથી.

આ વિશાળ રેલીનું નેતૃત્વ અને સંકલન કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ કરી રહ્યા છે. યાત્રાના આયોજનમાં સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટિયા અને જિગ્નેશ મેવાણી મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે. ગાંધીનગર પહોંચીને આ ટ્રેક્ટર માર્ચ સરકાર સમક્ષ ખેડૂતોની માંગણીઓ સીધી રજૂ કરશે. આ યાત્રાને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને તુષાર ચૌધરી સહિતના વરિષ્ઠ આગેવાનો સંબોધન કરશે.

બંધારણીય અધિકારોનું હનન ખેડૂતોના આંદોલન અંગે ગેનીબહેન ઠાકોરે સ્પષ્ટ કર્યું કે બંધારણમાં શાંતિપૂર્વક આંદોલન કરીને ગાંધી ચિંધ્યા માર્ગે માંગણીઓ રજૂ કરવાનો અધિકાર છે. પરંતુ વર્તમાન સરકાર ખેડૂતોના આ બંધારણીય અધિકારોનું સીધું હનન કરી રહી છે. કંપનીઓ પાસેથી ફંડ લઈને ખેડૂતોને ડરાવવા અને લાઠીચાર્જ કરવાના પ્રયાસો સામે આવનાર સમયમાં જનતા નેપાળ જેવી ક્રાંતિ સર્જતા જરા પણ અચકાશે નહીં.