Loading Please Wait !!!
વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાજનક સ્થિતિ: પુરુષો કરતા બમણી સ્ત્રીઓ થાય છે ગુમ!

  • 14 મહિનામાં 306 લોકો લાપતા, ઓપરેશન મિલાપમાં 38 લોકો પરિવાર સાથે ફરી મળ્યા
  • પોલીસની સઘન તપાસમાં 249 લોકોનો પત્તો લાગ્યો, ઔદ્યોગિક વિસ્તારોમાં ગુમ થવાનું પ્રમાણ સૌથી વધારે
  • પ્રેમ પ્રકરણ અને ઘરકંકાસ મોટા ભાગના કેસનું મુખ્ય કારણ, 56 લોકોની હજુ પણ કોઈ ભાળ નહિ

સિટી ન્યુઝ @ વડોદરા

વડોદરા જિલ્લાના ગ્રામ્ય અને ઔદ્યોગિક વિસ્તારોમાંથી લોકો ગુમ થવાના આંકડા અત્યંત ચિંતાજનક સપાટીએ પહોંચ્યા છે. વર્ષ 2025 અને 2026 ના પ્રથમ બે માસ એમ કુલ 14 મહિનાના સમયગાળામાં જિલ્લામાંથી 18 વર્ષથી વધુ વયની કુલ 306 વ્યક્તિઓ લાપતા બની છે. સૌથી આશ્ચર્યજનક અને ગંભીર બાબત એ છે કે ગુમ થનારા લોકોમાં પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા બમણી છે.

વર્ષ 2025 માં કુલ 205 લોકો ગુમ થયા હતા, જેમાં 135 સ્ત્રી અને 70 પુરુષો હતા. જ્યારે 2026 ના પ્રથમ 2 મહિનામાં 101 લોકો લાપતા થયા, જેમાં 36 સ્ત્રી અને 65 પુરુષોનો સમાવેશ થાય છે. જોકે, પોલીસ દ્વારા હાથ ધરાયેલી સઘન શોધખોળમાં 2025 માં 177 લોકો (124 સ્ત્રી, 53 પુરુષ) અને 2026 માં 72 લોકોનો પત્તો લાગ્યો છે. હજુ પણ 29 પુરુષો અને 27 સ્ત્રીઓ મળી કુલ 56 લોકોનો કોઈ અતોપતો નથી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં સગીર વયે થતા પ્રેમ સંબંધો, ઘરકંકાસ અને અભ્યાસના દબાણને કારણે ઘર છોડી દેવાના કિસ્સા સૌથી વધુ બને છે.

જિલ્લામાં ઔદ્યોગિક અને શૈક્ષણિક વિસ્તાર ગણાતા વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદમાંથી સૌથી વધુ લોકો ગુમ થયા છે. આ ઉપરાંત મંજુસર જીઆઈડીસી, પાદરા અને કરજણ તાલુકામાંથી પણ ગુમ થનાર વ્યક્તિઓની સંખ્યા વધારે છે. જ્યારે ભાદરવા, દેસર અને શિનોરમાં આ પ્રમાણ સૌથી ઓછું છે. તાજેતરમાં ગુમ વ્યક્તિઓને શોધવા માટે ચલાવાયેલી ડ્રાઇવમાં અપહરણ થયેલા 6 બાળકો સહિત 38 લોકોને શોધીને પોલીસ તેમના પરિવારજનો સાથે મિલાપ કરાવવામાં સફળ રહી છે.

ઓપરેશન મિલાપ: 38 લોકો પરિવાર સાથે જોડાયા રાજ્યભરમાં ગુમ થયેલા વ્યક્તિઓને શોધવા માટે ચલાવવામાં આવેલી 'ઓપરેશન મિલાપ' ડ્રાઇવ વડોદરામાં સફળ સાબિત થઈ છે. આ ખાસ ઝુંબેશ દરમિયાન વડોદરા ગ્રામ્ય પોલીસે અપહરણ થયેલા 6 બાળકો અને વયસ્કો મળી કુલ 38 લોકોને શોધી કાઢ્યા છે. તમામ ગુમ થયેલા લોકોને સલામત રીતે તેમના પરિવાર સાથે ફરીથી મેળવીને પોલીસે એક અત્યંત પ્રશંસનીય અને સરાહનીય કામગીરી કરી છે.