સાવધાન! ઇન્સ્ટાગ્રામથી સફાઈ કર્મી બુક કરતા પહેલા આ કિસ્સો વાંચો
- સેટેલાઇટ વિસ્તારમાં હાઉસ કીપિંગના નામે ઘરમાં ઘૂસીને લોકરમાંથી સોનાના દાગીનાની ચોરી
- જોધપુરમાં ચામુંડા ક્લિનિંગ સર્વિસના નામે આવેલા બે ગઠિયાઓ ઘરનું લોકર સાફ કરી ગયા
- ઓનલાઈન હાઉસ ક્લિનિંગ સર્વિસની આડમાં ચાલતી ચોરીની નવી મોડસ ઓપરેન્ડીનો શહેરમાં પર્દાફાશ
સિટી ન્યુઝ @ અમદાવાદ
આજકાલ સોશિયલ મીડિયા પરથી કોઈ પણ સર્વિસ લેતા પહેલા ખૂબ જ સાવચેત રહેવું જરૂરી બની ગયું છે. ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આકર્ષક જાહેરાતો જોઈને હાઉસ ક્લિનિંગ માટે અજાણ્યા લોકોને ઘરમાં બોલાવવા ભારે પડી શકે છે. તાજેતરમાં અમદાવાદના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ઘરની સાફસફાઈ કરવા માટે ઓનલાઈન બુક કરેલા બે યુવકોએ સફાઈની સાથે સાથે ઘરના લોકરમાંથી સોનાના દાગીના પણ સાફ કરી દીધા હતા. આ ઘટનાએ સોશિયલ મીડિયા પરની અજાણી એજન્સીઓની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સેટેલાઇટના જોધપુર વિસ્તારમાં આવેલા તપ્સી એપાર્ટમેન્ટમાં રહેતા રશ્મીબહેન શાહના ઘરે આ ઘટના બની છે. તેમની પુત્રી મુંબઈથી વેકેશન ગાળવા માટે અમદાવાદ આવી હોવાથી તેમની ભત્રીજી વહુ એશાએ ઈન્સ્ટાગ્રામ મારફતે ચામુંડા ક્લિનિંગ સર્વિસના પ્રકાશભાઈનો સંપર્ક કર્યો હતો. વાતચીત બાદ બીજા દિવસે બે અજાણ્યા યુવકો તેમના ઘરે સાફસફાઈ માટે આવ્યા હતા અને કામ પૂર્ણ કરી 3700 રૂપિયા લઈને ચાલ્યા ગયા હતા. જોકે, સાંજના સમયે જ્યારે રશ્મીબહેને ઘરનું લોકર ચેક કર્યું ત્યારે તેમાંથી સોનાના કેટલાક કિંમતી દાગીના ગાયબ જોવા મળ્યા હતા. આ બે સફાઈ કર્મીઓએ જ નજર ચૂકવીને આ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
આવી મોડસ ઓપરેન્ડીથી ચોરી થવાની શહેરમાં આ કોઈ પ્રથમ ઘટના નથી. થોડા સમય અગાઉ જ અમદાવાદના વાડજ વિસ્તારમાં પણ બરાબર આ જ પ્રકારે ચોરીની ઘટના બની હતી. વાડજ પોલીસે ઇન્સ્ટાગ્રામમાં હાઉસ કીપિંગની પ્રોફાઇલ મુકીને લોકોના ઘરમાં ઘૂસી સોનાના દાગીનાની ચોરી કરનાર કમલેશ કીર અને ગોવિંદ કીર નામના બે યુવકોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ બંને શખ્સો પણ ઓનલાઈન બુકિંગ મેળવીને ઘરમાં સાફસફાઈ કરવાના બહાને જતા હતા અને પરિવારના સભ્યોની નજર ચૂકવીને કિંમતી સામાનની ચોરી કરતા હતા.
ઓનલાઈન બુકિંગમાં સાવચેતી જરૂરી
સોશિયલ મીડિયા પર આકર્ષક જાહેરાતો જોઈને કોઈપણ એજન્સીને સીધું કામ સોંપવાનું ટાળવું જોઈએ. અજાણ્યા લોકોને ઘરમાં પ્રવેશ આપતા પહેલા તેમની ઓળખ અને કંપનીની નોંધણી વિશેની સંપૂર્ણ ચકાસણી કરવી ખૂબ જ આવશ્યક છે. ખાસ કરીને જ્યારે તેઓ ઘરમાં કામ કરતા હોય ત્યારે પરિવારના સભ્યોએ સતત હાજર રહીને તેમના પર ચાંપતી નજર રાખવી જોઈએ જેથી આવી ચોરીની ઘટનાઓ નિવારી શકાય.