Loading Please Wait !!!
લખતરમાં SOG નો સપાટો: 11.8 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ

  • 5.90 લાખના ડ્રગ્સ સહિત કુલ 5.95 લાખનો મુદ્દામાલ જપ્ત, નશાના કાળા કારોબારનો પર્દાફાશ
  • SOG ની ટીમે ચોક્કસ બાતમીના આધારે જેરામ ગડથરાને રંગેહાથ દબોચ્યો, મોબાઈલ અને ડ્રગ્સ જપ્ત
  • સુરેન્દ્રનગર SOG એ મફતિયાપરાના શખ્સને 5.95 લાખના મુદ્દામાલ સાથે જેલના સળિયા પાછળ ધકેલ્યો

સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં નશાના કાળા કારોબાર પર અંકુશ મેળવવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરી છે. એસઓજી ટીમે લખતર પંથકમાંથી 11 કિલો 800 ગ્રામ જેટલા સૂકા ગાંજાના મસમોટા જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. જપ્ત કરવામાં આવેલા આ ગાંજાની બજાર કિંમત અંદાજે 5,90,000 રૂપિયા આંકવામાં આવી છે. આ કાર્યવાહીથી સ્થાનિક ડ્રગ પેડલરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર SOG ટીમને ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી કે એક શખ્સ લખતર પંથકમાં નશીલા પદાર્થની હેરાફેરી કરી રહ્યો છે. આ બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે સુરેન્દ્રનગરના મફતીયાપરા-2, ખોડીયાર મંદિર પાછળ રહેતા જેરામભાઈ ધુડાભાઈ ગડથરા નામના ઈસમને ઝડપી પાડ્યો હતો. તેની સઘન તલાશી લેતા તેની પાસેથી 11 કિલો 800 ગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી 5.90 લાખનો ગાંજો અને 5,000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન મળીને કુલ 5,95,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપી જેરામભાઈ ગડથરા વિરુદ્ધ લખતર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આટલો મોટો ગાંજાનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે હવે તેની સઘન પૂછપરછ શરૂ કરી છે.

નશાના નેટવર્કની તપાસ શરૂ સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં યુવાધનને બરબાદ કરતા ગાંજા અને અન્ય ડ્રગ્સના દૂષણને ડામવા પોલીસ અત્યંત કડક વલણ અપનાવી રહી છે. 11 કિલોથી વધુ ગાંજાનો જથ્થો પકડાવો એ દર્શાવે છે કે આની પાછળ કોઈ મોટું સંગઠિત નેટવર્ક સક્રિય હોઈ શકે છે. SOG દ્વારા હવે આરોપીના મોબાઈલની કોલ ડીટેઈલ્સ અને તેના સંપર્કોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેથી આ કાળા કારોબારના મૂળ સુધી પહોંચી શકાય.