10 મહાપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ: વિપક્ષી નેતાનું પદ પણ જોખમમાં
- માવળંકર રૂલ' બન્યો માથાનો દુખાવો, 10 ટકા બેઠકો ન મળતા છીનવાઈ શકે છે સત્તાવાર હોદ્દો.
- લોકશાહી પરંપરા કે કડક નિયમ? 15માંથી 10 મહાપાલિકામાં વિપક્ષ પાસે પૂરતું સંખ્યાબળ નથી
- રાજકોટ સહિતની મહાપાલિકાઓમાં વિપક્ષી નેતાના હોદ્દા પર લટકતી તલવાર
અમદાવાદ: ગુજરાતની 15 મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામોએ રાજ્યના રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. આ ચૂંટણીમાં ભાજપને માત્ર પ્રચંડ બહુમતી મળી નથી, પરંતુ કોંગ્રેસને એટલો કારમો પરાજય મળ્યો છે કે 15 પૈકીની 10 મહાપાલિકાઓમાં વિરોધ પક્ષના નેતાનું સત્તાવાર પદ મળવું પણ મુશ્કેલ જણાઈ રહ્યું છે. જો લોકસભાના પ્રસિદ્ધ 'માવળંકર રૂલ'નું ચુસ્ત અર્થઘટન કરવામાં આવે, તો આ દસ શહેરોમાં કોંગ્રેસે વિરોધ પક્ષના નેતા તરીકે મળતી તમામ સરકારી સુવિધાઓ ગુમાવવી પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ઈ.સ. 1951માં લોકસભાના પ્રથમ અધ્યક્ષ જી.વી. માવળંકરે એક ઐતિહાસિક નિયમ જાહેર કર્યો હતો. આ નિયમ મુજબ, વિરોધ પક્ષના નેતા (Leader of Opposition)ની માન્યતા મેળવવા માટે જે તે પક્ષે ગૃહની કુલ બેઠકોના ઓછામાં ઓછા 10 ટકા બેઠકો મેળવવી અનિવાર્ય છે. ઉદાહરણ તરીકે, લોકસભાની 543 બેઠકોમાંથી જે પક્ષને 55 બેઠકો મળે તેને જ સત્તાવાર વિરોધ પક્ષ ગણવામાં આવે છે. આ જ ગણિત હવે ગુજરાતની મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસ માટે મુસીબત બની રહ્યું છે.
ગુજરાતમાં મહાપાલિકાઓની સામાન્ય સભાના સંચાલન માટે પોતપોતાના નિયમો હોય છે. ભૂતકાળમાં ભાજપના શાસકો લોકશાહી પરંપરા જાળવવા માટે ઉદાર મન રાખીને ઓછા સંખ્યાબળ છતાં વિપક્ષી નેતાનું પદ આપતા હતા. 1995માં રાજકોટમાં 60માંથી માત્ર 1 બેઠક હોવા છતાં કોંગ્રેસને આ પદ અપાયું હતું. જોકે, ગત 2021-26ની ટર્મમાં પરિસ્થિતિ બદલાઈ હતી. રાજકોટમાં 72માંથી માત્ર 4 બેઠક મળતા ભાજપે વિરોધ પક્ષનું પદ આપવાનો ઈન્કાર કરી દીધો હતો અને તેમની ઓફિસ તેમજ વાહન પરત લઈ લીધા હતા.
મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતાને મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનની જેમ જ પ્રજાના ખર્ચે અલગ ઓફિસ, સ્ટાફ, સત્તાવાર વાહન અને વિશેષ ભથ્થા જેવી સુવિધાઓ મળતી હોય છે. કોંગ્રેસને આ વખતે માત્ર 5 મહાપાલિકાઓમાં જ 10 ટકા કે તેથી વધુ બેઠકો મળી છે, જ્યાં તેમનું પદ સુરક્ષિત છે. બાકીની 10 મહાપાલિકાઓમાં સંખ્યાબળના અભાવે આ તમામ સવલતો પર કાતર ફરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે જો શાસક પક્ષ ભાજપ આ વખતે પણ 'માવળંકર રૂલ'નું કડક પાલન કરશે, તો 10 મુખ્ય શહેરોમાં વિરોધ પક્ષનો અવાજ સત્તાવાર રીતે દબાઈ જશે. કોંગ્રેસ માટે આ અસ્તિત્વની લડાઈ સમાન છે, કારણ કે સત્તાવાર પદ વિના ગૃહમાં રજૂઆત કરવી અને જનતાના પ્રશ્નો ઉઠાવવા તેમના માટે પડકારજનક બની રહેશે. હવે જોવાનું એ રહેશે કે ભાજપના નવા ચૂંટાયેલા શાસકો આ બાબતે કેવો અભિગમ અપનાવે છે.