જૂનાગઢમાં 'ગણિત' ઊંધું પડ્યું: ગટરના ભૂંગળા નીચેથી ઉપર નાખ્યા, જનતાએ સ્ટેન્ડિંગ ચેરમેનનો ઉધડો લીધો!
- "પાણી ઉપરથી નીચે આવે કે નીચેથી ઉપર?" – જાગૃત નાગરિકના સવાલે સત્તાધીશોને કર્યા નિરુત્તર
- કરોડોના રોડ તોડી ગટરના નામે લોલમલોલ – ચેરમેન પલ્લવી ઠાકર અને કોર્પોરેટરે સ્વીકારવી પડી ભૂલ
- ઢાળ વગરની ગટરો અને ઊંચા રસ્તાઓથી ઘરો દબાયા – ચોમાસામાં જળબંબાકાર થવાની ભીતિ
જૂનાગઢ મહાનગરપાલિકામાં હાલ 'અંધેર નગરી ને ગંડુ રાજા' જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓને ફરી ગટરના નામે તોડવાની નીતિ અને એન્જિનિયરિંગના ન્યૂનતમ જ્ઞાનના અભાવે કડિયાવડ વિસ્તારના લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ગતરોજ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકર અને કોર્પોરેટર ચંદ્રિકા રાખસીયા સ્થળ મુલાકાતે પહોંચ્યા, ત્યારે જાગૃત નાગરિકોએ તેમને કાયદાનું જ્ઞાન આપવાને બદલે વિજ્ઞાનના પાયાના સવાલો પૂછીને નિરુત્તર કરી દીધા હતા.
વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રહીશોએ ચેરમેન સામે પુરાવા સાથે બતાવ્યું કે કોન્ટ્રાક્ટરે ગટરના ભૂંગળા કુદરતી ઢાળથી વિરુદ્ધ એટલે કે નીચેથી ઉપર તરફ નાખ્યા છે. એક જાગૃત નાગરિકે જ્યારે ચેરમેનને પૂછ્યું કે, "પાણી ઉપરથી નીચે આવે કે નીચેથી ઉપર?", ત્યારે ચેરમેને ક્ષોભજનક સ્થિતિમાં 'ઉપરથી નીચે' આવતું હોવાનો સ્વીકાર કર્યો હતો. આ ટેકનિકલ બ્લન્ડર સામે આવતા જ નેતાઓ પાસે પોતાની ભૂલ સ્વીકારવા સિવાય કોઈ આરો રહ્યો નહોતો.
સ્થાનિકોનો આક્ષેપ છે કે એસી કેબિનમાં બેસતા વોટર વર્ક્સ શાખાના અધિકારી અલ્પેશ ચાવડા અને તકનીકી સ્ટાફને ઢાળ કઈ રીતે આપવો તેની ગતાગમ નથી. રસ્તાઓ એટલા ઊંચા કરી દેવામાં આવ્યા છે કે માધવ નિવાસ જેવા વિસ્તારોમાં લોકોના ઘરો અને ડેલીઓ જમીનમાં દબાઈ ગઈ છે. લેવલિંગ વગરના કામને કારણે લોકો માટે પોતાના જ ઘરમાં પ્રવેશવો મુશ્કેલ બન્યો છે. જનતાના ટેક્સના કરોડો રૂપિયા આવા બિન-આયોજિત કામોમાં વેડફાઈ રહ્યા છે, જે જૂનાગઢ મનપાની લાલિયાવાડી છતી કરે છે.
ચર્ચા દરમિયાન જ્યારે ચેરમેને બચાવ કરતા કહ્યું કે "અમે પ્રયત્ન કરીએ છીએ કે તમને તકલીફ ન પડે", ત્યારે રોષે ભરાયેલા લોકોએ વળતો પ્રહાર કર્યો હતો કે કોર્પોરેશનનું એક પણ કામ એવું નથી જેમાં પ્રજાએ હેરાન ન થવું પડ્યું હોય. અંતે પરિસ્થિતિ પારખી ગયેલા ચેરમેને સ્વીકાર્યું હતું કે કામમાં મોટી ખામી રહી ગઈ છે અને રસ્તો તોડીને ફરીથી વ્યવસ્થિત બનાવવાની ખાતરી આપી હતી. જોકે, એક વાર જનતાના પૈસા વેડફાયા બાદ ફરી તોડફોડ કરવાથી થતા નુકસાનની જવાબદારી કોણ લેશે તે મોટો પ્રશ્ન છે.
જૂનાગઢમાં જે પ્રકારે લોલમલોલ ચાલી રહ્યું છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે શહેર હવે ટેકનિકલ સ્ટાફના નહીં પણ 'ગિરનારી' ના ભરોસે છે. જો આ જ રીતે કામગીરી ચાલશે, તો આગામી ચોમાસામાં ગટરો ઉભરાશે અને રસ્તાઓ બેસી જશે તેવી પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે. કડિયાવડની આ ઘટનાએ સાબિત કર્યું છે કે હવે જનતા જાગૃત થઈ છે અને નેતાઓએ માત્ર વાયદાઓથી નહીં પણ વાસ્તવિક કામથી જવાબ આપવો પડશે.