Loading Please Wait !!!
પ્લાસ્ટિકના કચરામાંથી વિમાનનું ઈંધણ તૈયાર કરવાની ચીનના વૈજ્ઞાનિકોની ક્રાંતિકારી શોધ!

 

  • ચીનના વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટિકના કચરાને વિમાનમાં વપરાતા જેટ ફ્યુઅલમાં રૂપાંતરિત કરવાની પદ્ધતિ શોધી.

  • આ સસ્તી કેમિકલ આધારિત ટેકનીક દ્વારા જટિલ પ્લાસ્ટિકને વિમાનના બળતણમાં બદલી શકાય છે.

  • ખાસ કસ્ટમ કટાિલસ્ટ (કોબાલ્ટ અને નિકલ) દ્વારા ગેસ બનવાનું અટકે છે અને ૭૯% પ્રવાહી બળતણ મળે છે.

સિટી ન્યુઝ @ બેઇજિંગ

 વિશ્વભરમાં સતત વધી રહેલા પ્લાસ્ટિકના કચરાના નિકાલ અને પર્યાવરણ સુરક્ષા માટે વૈજ્ઞાનિકો રાત-દિવસ નવી ટેકનીકો શોધી રહ્યા છે. આ દિશામાં ચીનના વૈજ્ઞાનિકોએ એક મોટી અને ક્રાંતિકારી સફળતા હાંસલ કરી છે. તેમણે એક એવી સસ્તી કેમિકલ આધારિત પદ્ધતિ વિકસાવી છે, જે જટિલ અને કઠિન ગણાતા પ્લાસ્ટિકના કચરાને સીધા વિમાનમાં વપરાતા 'જેટ ફ્યુઅલ' (Aviation Fuel) માં રૂપાંતરિત કરી શકે છે. પ્રયોગશાળામાં કરવામાં આવેલા પ્રયોગોમાં આ પદ્ધતિ દ્વારા ૮૨.૩% લિક્વિડ યીલ્ડ મેળવવામાં સફળતા મળી છે.આ ટેકનિકમાં પ્લાસ્ટિક અને અશ્મિભૂત બળતણ મૂળભૂત રીતે કાર્બન અને હાઇડ્રોજનના પરમાણુઓથી જ બનેલા હોય છે. પેટ્રોલિયમમાંથી જ પ્લાસ્ટિકના લાંબા અણુઓના માળખાં તૈયાર થાય છે. વૈજ્ઞાનિકોએ કેમિકલ પ્રોસેસ અને ગરમી દ્વારા આ માળખાને તોડીને નાના, બળતણ તરીકે વાપરી શકાય તેવા મોલેક્યુલ્સમાં ફેરવવાની સફળ 'રિવર્સ એન્જિનિયરિંગ' ટેકનીક શોધી કાઢી છે. વિમાનના ઈંધણ માટે ૮ થી ૧૬ કાર્બન એટોમ્સ (C8-C16) ધરાવતા હાઈડ્રોકાર્બનની જરૂર હોય છે.

આ અગાઉ પ્લાસ્ટિકમાંથી ઈંધણ બનાવવામાં ગેસ વધુ બનતો હતો, પરંતુ ચીનના વૈજ્ઞાનિકોએ કોબાલ્ટ અને નિકલનું ખાસ કસ્ટમ કટાલિસ્ટ (ઉદ્દીપક) તૈયાર કરીને આ સમસ્યા હલ કરી છે. આ જોડી પ્લાસ્ટિકની સાંકળને અંદરથી યોગ્ય કદમાં કાપે છે, જેના પરિણામે ગેસ બનવાને બદલે સીધું મધ્યમ કદનું પ્રવાહી ઈંધણ ૭૯% ની ચોકસાઈ સાથે મળે છે. આ ટેકનિક સામાન્ય તાપમાન અને હળવી પરિસ્થિતિઓમાં કામ કરતી હોવાથી અત્યંત ઓછી ખર્ચાળ અને પર્યાવરણ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.

પર્યાવરણ અને ઉડ્ડયન ક્ષેત્ર માટે નવો સીમાચિહ્ન

પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરીને વિમાનનું ઈંધણ બનાવવાની આ ટેકનોલોજી ભવિષ્યમાં પ્રદૂષણ ઘટાડવામાં અને ઉડ્ડયન ક્ષેત્રને વધુ ટકાઉ (Sustainable) બનાવવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.