દિકરીએ ‘પ્રેમ’ કરવા બદલ માતાએ મારી નાંખી
- બીજી જાતિના યુવક સાથે દિકરી પ્રેમમાં હતી
- માતાએ જ 20 વર્ષની પુત્રીનું ગળું દબાવી હત્યા કરી
સિટી ન્યૂઝ@ઉલ્હાસનગર
મહારાષ્ટ્રના ઉલ્હાસનગરગમાં માનવતાને શર્માવે તેવી ઘટના સામે આવી છે. અન્ય જાતિના યુવક સાથે પ્રેમસંબંધ હોવાના મુદ્દે થયેલા વિવાદ બાદ માતાએ જ પોતાની ૨૦ વર્ષની પુત્રીનું ગળું દબાવી હત્યા કરી હોવાનો આરોપ છે. પોલીસે આરોપી માતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્હાસનગર-૧ વિસ્તારમાં આવેલા બેંથાસાહેબ આંબેડકર નગરમાં રહેતી અમુતા ગરડ નામની યુવતીને અન્ય જાતિના યુવક સાથે પ્રેમસંબંધ હતો. અમુતાની માતા આશા ગરડને આ સંબંધનો સતત વિરોધ હતો. આ મુદ્દે છેલ્લા કેટલાક સમયથી પરિવારમાં તનાવ ચાલી રહ્યો હતો.
રવિવારે મધરાતે આશરે ૨ વાગ્યે માતા અને પુત્રી વચ્ચે ફરી ઉગ્ર બોલાચાલી થઈ હતી. તે સમયે ઘરમાં
અમૃતાના પિતા અને બે ભાઈઓ સૂતા હતા. વિવાદ બાદ અમૃતા ઘર છોડીને જવાની તૈયારીમાં થતી ત્યારે ગુસ્સે ભરાયેલી માતાએ દુપટ્ટાથી તેનું ગળું દબાવી દીધું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનામાં અમૃતાનું સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં અમૃતાના પિતાએ ઉલ્લાસનગર પોલીસ સ્ટેશન નંબર-૧માં જઈ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આશા ગરડની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી સમગ્ર ઉલ્હાસનગર વિસ્તારમાં થથકાર મચાવી દીધી છે. પોલીસે ઘટનાના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે અને પરિવારના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે.
પ્રેમસંબંધનો વિરોધ બન્યો હત્યાનું કારણ
પ્રાથમિક તપાસ મુજબ, યુવતી અન્ય જાતિના યુવક સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી, જ્યારે તેની માતા આ સંબંધનો સતત વિરોધ કરતી હતી. આ મુદ્દે ઘરમાં વારંવાર ઝઘડા થતા હતા. પોલીસે જણાવ્યું કે મધરાતે થયેલા વિવાદ દરમિયાન ગુસ્સામાં માતાએ દુપટ્ટાથી પુત્રીનું ગળું દબાવી દીધી, જેના કારણે તેનું મોત થયું. હાલ આરોપી માતાની ધરપકડ કરીને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે.