Loading Please Wait !!!
ફેમસ ઘોષ બંગાળ સ્વીટ્સ, વિહાન નમકીન, નેશનલ ચાઈનીઝ અને ઘનશ્યામ ચાઈનીઝ સીલ

  • રાજકોટમાં અબાધ ખોરાક સામે મનપાની ઝુંબેશ યથાવત
  • 1226 કિલો જથ્થાનો નાશ કરી
  • રૂ. 42 હજારનો દંડ વસૂલાતો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ભેળસેળયુક્ત અને અખાદ્ય ખોરાક સામેની ઝુંબેશ વધુ સઘન બનાવી છે. તાજેતરની તપાસ દરમિયાન શહેરની ૫૩ પેઢી અને રેસ્ટોરન્ટની ચકાસણી કરવામાં આવી હતી. ગંભીર ગંદકી, વાસી ખોરાક અને અનહાઈજેનિક સ્થિતિ મળી આવતાં ઘોષ બંગાળ સ્વીટ્સ, વિહાન નમકીન, નેશનલ ચાઈનીઝ અને ઘનશ્યામ ચાઈનીઝ પંજાબી સહિત ૪ એકમોને સીલ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કુલ ૧૨૨૬ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ વિવિધ નિયમભંગ બદલ રૂ. ૪૨,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

પેલસ રોડ પર આવેલી ઘોષ બંગાળ સ્વીટ્સમાંથી વાસી કાચા સમોસા, દુર્ગંધયુક્ત મીઠાઈ, સમોસાનો વાસી લોટ તેમજ રાદેલા બટેટા-શાકભાજી સહિત ૧૪૬ કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. મવડી ગામ પાસે આવેલી વિહાન નમકીનમાં જીવાતગ્રસ્ત અને વાસી ફરસાળ તથા લોટ સહિત ૨૧૫ કિલો જથ્થો ઝડપાયો હતો. બંને એકમો પાસેથી રૂ. ૫,૦૦૦-૫,૦૦૦નો

વહીવટી ચાર્જ વસૂલી સીલ કરવામાં આવ્યા હતા.

યુનિવર્સિટી રોડ પર આવેલી નેશનલ ચાઈનીઝમાં ગંદકી વચ્ચે વાસી ગ્રેવી, નૂડલ્સ, બાફેલા શાકભાજી સહિત ૩૩ કિલો અખાદ્ય ખોરાક મળી આવતા નાશ કરી રૂ. ૫,૦૦૦નો દંડ ફટકારાયો હતો. જ્યારે કોઠારીયા રોડ પર આવેલી ઘનશ્યામ ચાઈનીઝ પંજાબીમાંથી ૧૬ કિલો વાસી તૈયાર ખોરાક મળી આવતા પેઢીને પણ રૂ. ૫,૦૦૦નો ચાર્જ સાથે સીલ કરવામાં આવી હતી.

કસ્તુરબા રોડ પર આવેલી ઓનલાઈન ઓર્ડર સ્ટોરેજ પેઢી ‘SWINSTA ENT PRIVATE LIMITED’માંથી યુઝ-બાય તારીખ વગરના શાકભાજી અને ફળો, એક્સપાયરી થયેલા ખાદ્યપદાર્થો તેમજ અસ્વચ્છ કોલ્ડ સ્ટોરેજમાંથી અંદાજે ૮૦૦ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પેઢી સામે રૂ. ૧૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલી પેસ્ટ કંટ્રોલ અને સ્વચ્છતા જાળવવા નોટિસ આપવામાં આવી હતી.

આ ઉપરાંત અનેક ફરસાણ, જનરલ સ્ટોર, ડેરી અને

નાસ્તાના એકમોમાંથી વાસી ખાદ્યપદાર્થોનો નાશ કરી લાયસન્સ, સ્વચ્છતા અને અન્ય નિયમોના ભંગ બદલ રૂ. ૫૦૦થી રૂ. ૧,૦૦૦ સુધીની વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યા હતા. સાથે ઠાકરધણી રેસ્ટોરન્ટ, રિદ્ધિ સિદ્ધિ સેન્ડવીચ, નવદીપ ડેરી ફાર્મ, અદારો રેસ્ટોરન્ટ સહિત અન્ય ૨૭ એકમોની પણ સ્થળ પર તપાસ કરવામાં આવી હતી.

મનપાના ડેઝિગ્નેટેડ ઓફિસરે જણાવ્યું હતું કે પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરનારા એકમો સામે આવી કડક કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.