પશ્ચિમ બંગાળનો વિજય શ્યામાપ્રસાદ મુખરજીને સમર્પિત : ચેતન રામાણી
સિટી ન્યૂઝ@રાજકોટ : પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયને પ્રદેશ ભાજપ અગ્રણી અને ખેડૂત નેતા ચેતન રામાણીએ આવકાર્યો છે. આ ઐતિહાસિક સફળતા બદલ તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન અને સક્ષમ નેતૃત્વ હેઠળની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, બંગાળના પનોતા પુત્ર અને જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીની 72 મી પુણ્યતિથિ નિમિત્તે આ વિજય તેમને અર્પણ કરાયેલી સાચી શ્રદ્ધાંજલિ છે. મમતા બેનર્જીના ગઢમાં હવે જનતાની મમતા ભાજપ તરફ વળી છે. આ જીત લાંબા સમયથી ચાલતા ભ્રષ્ટાચાર, રાજકીય હિંસા અને તુષ્ટિકરણની રાજનીતિ વિરુદ્ધ લોકોના અસંતોષનું સીધું પ્રતિબિંબ છે.
12 વર્ષમાં 8 થી 22 રાજ્યો સુધી સતત વિજયકૂચ કરતી NDA સરકારની સફળતા પાછળ પક્ષનું મજબૂત સંગઠન અને સકારાત્મક રાજકારણ છે. ભાજપે "સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ" ના સૂત્ર સાથે હંમેશા સેવા અને સુશાસનના માર્ગે કાર્ય કર્યું છે. કેન્દ્ર સરકારની ગરીબ અને મધ્યમવર્ગલક્ષી કલ્યાણકારી યોજનાઓથી લોકોમાં ભારે વિશ્વાસ વધ્યો છે. રસ્તા, ઉદ્યોગ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે થયેલા સુધારાએ મતદાતાઓના નિર્ણયને પ્રભાવિત કર્યો છે.
આ વિજય પાછળ ભાજપની "ડબલ એન્જિન સરકાર" ની વિચારધારા અત્યંત અસરકારક સાબિત થઈ છે. અંતમાં રામાણીએ ઉમેર્યું હતું કે, આ પરિણામ માત્ર રાજકીય જીત નથી પરંતુ દેશના નાગરિકોની આશા, વિશ્વાસ અને વિકાસ પ્રત્યેની અડગ લાગણીનું પ્રતીક છે, જે યુવાનો માટે નવી તકોના દ્વાર ખોલશે.