Loading Please Wait !!!
શિક્ષણમાં ગેરરીતિઓ સામે કોંગ્રેસનું રાજ્યવ્યાપી ‘છાત્ર-ગુંજ’ અભિયાન

સિટી ન્યૂઝ@રાજકોટ

ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં શિક્ષણ ક્ષેત્રે વધતી ગેરરીતિઓ, પેપર લીક અને પરીક્ષા કૌભાંડો સામે કોંગ્રેસે રાજ્યવ્યાપી છાત્ર-ગુંજ અભિયાનની જાહેરાત કરી છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે શિક્ષણ વ્યવસ્થા આજે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ભારે આર્થિક બોજ અને અનિશ્ચિતતાનું કારણ બની રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ બિમલ શાહ અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વારંવાર પેપર લીક અને પરીક્ષા કૌભાંડોના બનાવોને કારણે લાખો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. માત્ર એક પરીક્ષા રદ થવી એ વહીવટી ભૂલ નહીં પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા હોવાનું તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ દાવો કર્યો હતો કે છેલ્લા ૧૦ વર્ષમાં દેશભરમાં ૮૯ પેપર લીકના બનાવો સામે આવ્યા છે અને ૪૮ પરીક્ષાઓ ફરીથી લેવાની નોબત આવી છે. NEET, CBSE, SSC, NDA અને અન્ય પરીક્ષાઓમાં પણ

  • » શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા તથા વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા ગુજરાતમાં "છાત્ર ગુંજ" કાર્યક્રમ યોજાશે : અમિત ચાવડા

  • » 22 લાખ NEET ની તૈયારી કરતા વિદ્યાર્થીઓનો ખર્ચ રૂ. 1.32 લાખ કરોડ- દેશનું શિક્ષણ બજેટ 1.40 લાખ કરોડ. : બિમલ શાહ

  • » પેપરલીક, પરીક્ષા કૌભાંડોના કારણે લાખો વિદ્યાર્થીઓના સપનાઓ ચકનાચૂર, માનસિક તણાવ અને આત્મહત્યાના બનાવોમાં વધારો : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. : હેમાંગ રાવલ

  • » મોદી સરકારના 10 વર્ષમાં 89 પેપરલીક અને 48 પરીક્ષાઓ ફરી લેવાની નોબત આવી. : મહેન્દ્રસિંહ રાણા

  • » NEET, JEE, UPSC, SSC સહિતની પરીક્ષાઓની તૈયારી પાછળ દેશના પરિવારોનો ખર્ચ શિક્ષણ બજેટ કરતાં ત્રણ ગણો વધારે. : હાર્દિક ભટ્ટ

ગેરરીતિઓના આક્ષેપો થયા હોવા છતાં સરકાર કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી હોવાનું જણાવ્યું હતું. હેમાંગ રાવલે જણાવ્યું હતું કે પેપર લીક અને પરીક્ષા કૌભાંડોના કારણે વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ વધી રહ્યો છે અને આત્મહત્યાના બનાવો પણ ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે. તેમણે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પણ કરી હતી.

બિમલ શાહે જણાવ્યું હતું કે માત્ર NEET પરીક્ષાની તૈયારી માટે જ દેશના ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો આશરે રૂ. ૧.૩૨ લાખ કરોડ જેટલો ખર્ચ કરે છે, જે દેશના વાર્ષિક શિક્ષણ બજેટની નજીકનો આંકડો છે. જ્યારે NEET, JEE, UPSC, SSC અને RRB જેવી પરીક્ષાઓની તૈયારી પાછળ દેશભરના પરિવારોનો કુલ ખર્ચ અંદાજે રૂ. ૩.૫ લાખ કરોડ જેટલો હોવાનું માનવામાં આવે છે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં છાત્ર-ગુંજ કાર્યક્રમ યોજાશે. આ અભિયાન દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નો, સૂચનો, ફરિયાદો અને શિક્ષણ વ્યવસ્થાને લગતી ચિંતાઓને વાચા આપવામાં આવશે તેમજ જિલ્લા સ્તરે વિદ્યાર્થીઓનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. પત્રકાર પરિષદમાં ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા, નડિયાદ મહાનગર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ, જિલ્લા મહામંત્રી ગોકુલ શાહ સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.